પોલીસ પાસે મારી ગેરકાયદેસર રીતે જાસૂસી કરાઈ છે’ : મહુઆ મોઇત્રા

નવીદિલ્હી, સંસદમાં પ્રશ્ર્નો પૂછવાના બદલામાં પૈસા લેવાના મામલામાં સંસદની સદસ્યતા ગુમાવનાર તૃણમૂલ કોંગ્રેસની નેતા મહુઆ મોઇત્રા હવે નવા વિવાદમાં ફસાયેલી જોવા મળી રહી છે. જે વ્યક્તિએ પ્રશ્ર્ન માટે રોકડના આરોપો લગાવ્યા હતા તે જ વ્યક્તિએ ફરી મહુઆ મોઇત્રા પર પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી ગેરકાયદેસર રીતે જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહદરાઈએ આરોપ લગાવ્યો હતો કે ટીએમસી નેતા મહુઆ મોઇત્રા તેના પૂર્વ પ્રેમીની ગેરકાયદેસર જાસૂસી કરાવી રહી છે.

૨૯ ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સીબીઆઇ ડિરેક્ટર પ્રવીણ સૂદને લખેલા પત્રમાં દેહદરાઈએ જણાવ્યું હતું કે એવી સંભાવના હોઈ શકે છે કે ટીએમસી નેતા તેના ફોન નંબરનો ઉપયોગ કરીને તેના ભૌતિક સ્થાનને ટ્રેક કરી રહ્યાં છે. દેહદરાઈએ પત્રમાં આરોપ લગાવ્યો છે કે મોઇત્રાએ ખાનગી વ્યક્તિઓના કોલ ડિટેઈલ રેકોર્ડ્સ (સીડીઆર) મેળવવા માટે પશ્ચિમ બંગાળ પોલીસના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમના દબદબો અને સંપર્કનો દુરુપયોગ કરવાનો ઇતિહાસ ધરાવે છે.

દેહદરાઈએ ફરિયાદમાં એમ પણ કહ્યું હતું કે અગાઉ ટીએમસી નેતા ૨૦૧૯માં સુહાન મુખર્જી નામના વ્યક્તિને ટ્રેક કરી રહ્યા હતા. દેહદરાઈના જણાવ્યા અનુસાર, મોઇત્રાએ અગાઉ મને મૌખિક અને લેખિતમાં (૨૬.૦૯.૨૦૧૯ના રોજ વોટ્સએપ પર) અનેક પ્રસંગોની જાણ કરી હતી કે તે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સુહાન મુખર્જી પર સક્રિયપણે નજર રાખી રહી છે, કારણ કે તેણીને એક જર્મન મહિલા સાથે અફેરની શંકા હતી.

તેમની ફરિયાદમાં કેટલીક ચેટના સ્ક્રીનશોટ અને કથિત સીડીઆર યાદી જોડતા, સુપ્રીમ કોર્ટના વકીલ દેહદરાઈએ કહ્યું, મને એ જાણીને આઘાત લાગ્યો છે કે બંગાળ પોલીસના વરિષ્ઠ અધિકારીઓની મદદથી, મોઇત્રા પાસે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડનો સમગ્ર કોલ ડિટેલ રેકોર્ડ છે. જેમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડના સંપર્કમાં રહેલા લોકો તેમજ દિવસના તમામ કલાકોમાં તેના ફોનના ચોક્કસ સ્થાન વિશેની સચોટ માહિતી શામેલ છે.

દેહદરાઈ મહુઆ મોઈત્રા સાથે રિલેશનશિપમાં રહી ચુક્યા છે. તેણે તેની ફરિયાદમાં લખ્યું છે કે જ્યારે તેણે તેની તત્કાલીન ગર્લફ્રેન્ડને સર્વેલન્સ વિશે પૂછ્યું, ત્યારે તેણે જવાબ આપ્યો કે સંસદના સભ્ય તરીકે તેને અમુક અધિકારો છે, જેમાં કોઈ પર નજર રાખવાનો સમાવેશ થાય છે. દેહદરાઈએ આક્ષેપ કર્યો છે કે પશ્ચિમ બંગાળ પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ તેમની સાથે સંકળાયેલા છે. અને તેથી તેઓ તેમની માંગને નકારી શક્તા નથી. વકીલે બંગાળ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પર ગેરકાયદેસર દેખરેખ રાખવાનો પણ આરોપ લગાવ્યો છે.