કરણી સેના પ્રમુખ ગોગામેડીની હત્યાની તપાસ તેજ,૩૧ જગ્યાએ દરોડા

જયપુર, શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાની તપાસ તેજ કરી છે. આ હત્યાના આરોપીઓને પકડવા માટે એનઆઇએએ બુધવારે વહેલી સવારે હરિયાણા અને રાજસ્થાનમાં ૩૧ સ્થળોએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તમને જણાવી દઈએ કે ૫ ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડીની રાજસ્થાનના જયપુરમાં તેમના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના આદેશ બાદ એનઆઇએએ આ હત્યાની તપાસ શરૂ કરી.

સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા સાથે જોડાયેલા શકમંદોના ઠેકાણાઓ પર એનઆઇએના દરોડા ચાલુ છે. એજન્સીની કેટલીક ટીમોએ રાજ્ય પોલીસ દળોના સહયોગથી આ ઓપરેશન હાથ ધર્યું છે. હત્યામાં હાઈ-પ્રોફાઈલ ગેંગસ્ટરોની સંડોવણીને ધ્યાનમાં રાખીને એનઆઇએએ રાજસ્થાન પોલીસ પાસેથી કેસ સંભાળ્યાના દિવસો બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

કરણી સેના પ્રમુખ ગોગામેડીની હત્યા સીસીટીવીમાં કેદ થઈ હતી. ફૂટેજમાં બે શખ્સો કરણી સેનાના પ્રમુખ પર અનેક ગોળીઓ ચલાવી રહ્યા છે. તે જ સમયે દરવાજે અન્ય એક વ્યક્તિ ઉભો હતો. ગોળીથી ઘાયલ થયેલા ગોગામેડીને જમીન પર પડતા જોઈને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં ઘાયલ ગોગામેડી સુરક્ષાકર્મીઓનું પણ પાછળથી મોત થયું હતું.

ગોગામેડીની હત્યામાં સંડોવાયેલા એક આરોપીનું ફાયરિંગ દરમિયાન મોત થયું હતું. તે જ સમયે, ૯ ડિસેમ્બરે ચંદીગઢમાં બે શૂટર્સ રોહિત રાઠોડ અને નીતિન ફૌજીની ધરપકડ કરવામાં આવી હતી. ગોગામેડીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ લીધી હતી. મળતી માહિતી મુજબ, ગોદારા અને ગોગામેડી વચ્ચે ઝઘડો થયો હતો અને અધિકારીઓને શંકા છે કે આ હત્યાને અંજામ આપી શકે છે. આ હત્યા કેસમાં અન્ય એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેણે તેના પતિ સાથે મળીને કથિત રીતે હથિયારો પૂરા પાડ્યા હતા અને આરોપીઓને રહેવાની વ્યવસ્થા કરી હતી.