યુવાનોમાં આજે ક્રાઇમ વધી રહ્યા છે એ ખૂબ જ ચિંતાનો વિષય છે : પ્રતીક ગાંધી

મુંબઇ, પ્રતીક ગાંધીનું કહેવું છે કે યુવાનોમાં આજે ક્રાઇમ-રેટ વધી રહ્યો છે અને એ ખૂબ જ ચિંતાનો વિષય છે. તે હવે ’ક્રાઇમ આજકલ ૨’ને હોસ્ટ કરી રહ્યો છે. હંસલ મહેતાની ’સ્કૅમ ૧૯૯૨’ને કારણે તેને ખૂબ જ પૉપ્યુલરિટી મળી હતી. પ્રતીક દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા આ શોમાં રિયલ લાઇફ ઘટના પરથી પ્રેરિત ક્રાઇમ સ્ટોરી દેખાડવામાં આવશે. આ શો ઍમેઝૉન મિની ટીવી પર દેખાડવામાં આવશે જેને તે હોસ્ટ કરી રહ્યો છે.

આ શો વિશે વાત કરતાં પ્રતીકે કહ્યું કે ‘આજે યુવાનોમાં ક્રાઇમ-રેટ જે વધી રહ્યો છે એ ચિંતાનો વિષય છે. ખાસ કરીને આજે સોશ્યલ મીડિયાનું જે એક્સપોઝર છે એને કારણે ક્રાઇમ-રેટ વધ્યા છે. આજની જનરેશનને સતત સોશ્યલ મીડિયા પર વૅલિડેશન જોઈતું હોય છે. તેમને કેટલા લાઇક મળે છે એના પરથી તેમનો દિવસભરનો મૂડ કેવો રહેશે એ નક્કી થતું હોય છે. મને લાગે છે કે જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો સોશ્યલ મીડિયા ખૂબ જ પાવરફુલ મીડિયમ છે અને જો દુરુપયોગ કરવામાં આવે તો એટલું જ ખતરનાક પણ છે.’

યંગ જનરેશનને તેમના પેરન્ટ્સ અને નિકટના લોકો તરફથી ખૂબ જ અટેન્શન જોઈતું હોય છે. હોસ્ટ બનવા વિશે વાત કરતાં પ્રતીકે કહ્યું કે ‘મારા માટે આ ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે હું કોઈ પાત્ર નથી ભજવી રહ્યો. મારે ન્યુટ્રલ રહીને એક્ટર તરીકે કોઈની પણ સાઇડ નહોતી લેવાની. હું જ્યારે સ્ટોરી નરેટ કરી રહ્યો હતો ત્યારે અમુક સ્ટોરી સાંભળીને મને ખૂબ જ ગુસ્સો પણ આવતો હતો. જોકે હું એને એક્સપ્રેસ પણ નહોતો કરી શક્તો.’