દાહોદ જીલ્લામાં જુદી જુદી જગ્યામાં બનેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાને ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડ્યા

દાહોદ, દાહોદ જીલ્લામાં માર્ગ અકસ્માતના ગઈકાલે બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ લીમખેડા ગામે લુખાવાડા ચોકડી પાસે રાત્રીના સાડા નવ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક વાહન ચાલક તેના કબજાની નંબર વગરની સિલ્વર કલરની બોલેરો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે રોંગ સાઈડમાં હંકારી લઈ આવી મોટી બાંડીબાર ગામના પાટડી ફળિયાના રૂપસીંગભાઈ સબુરભાઈ પટેલની જીજે-20 એ.આર-5673 નંબરની મોટર સાયકલને ટક્કર મારી નાસી જતાં મોટર સાયકલ ચાલક રૂપસીંગભાઈ પટેલને જમણા પગે ફ્રેક્ચર થવા પામ્યું હતું. આ સંદર્ભે લીમખેડા પોલીસે બોલેરો ગાડીના ચાલક વિરૂધ્ધ માર્ગ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે જીલ્લામાં માર્ગ અકસ્માતનો બીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના મોટી ઝરી ગામે ત્રણ રસ્તા રોડ પર સવારના સાડા નવ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક એસ.ટી.બસનો ચાલક તેના કબજાની જીજે-18 ઝેડ-5302 નંબરની એસટી બસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતી રામાગામના ટાંડી ફળિયાના દિનેશભાઈ ભયલાભાઈ બારીયાની જીજે-6 ડી.એફ-25 નંબરની મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાવી પોતાના કબજાની એસટી બસ સ્થળ પર મૂકી નાસી જતાં મોટર સાયકલ ચાલક દિનેશભાઈ ભયલાભાઈ બારીયાને માથામાં, જમણા પગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે દેવગઢ બારીઆ સરકારી દવાખાને ખસેડી પીપલોદ પોલીસે એસટી બસના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.