લુણાવાડા,
મહીસાગર જીલ્લાના કડાણા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. કિનારા અને બેટ ખુલ્લા થતા ડેમની વચ્ચોવચ પથ્થરોની ગુફામાં આવેલ 850 વર્ષ પૌરાણિક નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલતા દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા.
મહિસાગર જીલ્લાના કડાણા ડેમમાં હાલ નહિવત પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે હાલ પાણીના સ્તર નીચે ઉતરતા જળાશય કેચમેન્ટ વિસ્તારમાં પાણીની વચ્ચે આવેલ નદીનાથ મહાદેવ મંદિર ના દ્વાર ગત વર્ષે ચોમાસા બાદ પુન: ખુલ્લા થતા ભક્તો દર્શન ઘેલા બન્યા હતા. મહીસાગર નદીના બેટ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક અને પૌરાણિક દંત કથાઓ સંકળાયેલી છે. ગુફામાં આવેલ શિવજી મંદિર પ્રત્યે ભક્તોમાં એક વિશેષ આસ્થા સાથે અતૂટ શ્રદ્ધા જોડાયેલ છે. મંદિરના દર્શન માટે અહીંયા એક માત્ર નદીમાં હોડી (નાવડી)ના રસ્તે મંદિર સુધી પહોંચી શકાય છે. આ મંદિર ડેમના બાંધકામ બાદ ડુંબાણમાં ગયું હતું. એક લોકવાયકા મુજબ કડાણા ડેમના નિર્માણ પહેલા અહીંયા મહિ પુનમ, ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતાં પરંતુ ત્યાર બાદ ડેમના નિર્માણ થતાં ગુફામાં આવેલ ભેકોટલીયા, બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર ડૂબાણમાં જતા આઠ સો પચાસ વર્ષ પુરાણું આ ઔલોકિક શિવજીનું આ ગુફા મંદિર 20 વર્ષ બાદ 2020માં શ્રાવણ માસમાં ખૂલ્યું હતું અને આ વર્ષે ફરી એક વાર ખુલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા.
આશ્ચર્યજનક બાબત એ છે કે, કડાણા ડેમ બન્યાના આજે 50 વર્ષ ઉપર સમય થયો છે. ત્યારે આટલા વર્ષો દરમિયાન અનેક વખત મહિસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યાં બાદ પણ ગુફામાં આવેલ શિવલિંગ છુટું હોવા છતાં એના એજ સ્થાને બિરાજમાન હોય શ્રદ્ધાળુઓમાં ગુફામાં આવેલ શિવજીના મંદિર પ્રત્યે એક વિશેષ આસ્થા સાથે અતૂટ શ્રદ્ધા જોડાયેલી મંદિરના પૂજારી ડાહ્યાગર ગોસાઈના જણાવ્યા મુજબ રાજા રજવાડાં સમયથી અહીંયા નદીની વચ્ચે ગુફામાં હજારો વર્ષ જુનું પૌરાણિક સ્વયંભૂ મંદિર આવેલું છે. જે અમારા બાપદાદા અહીંયા વર્ષોથી પુજા કરે છે. ડેમના નિર્માણ સમયે આ મંદિર ડૂબાણમાં જતા ડેમને અડીને આવેલા ડુંગર ઉપર કિશોરસિંહ પરમાર (કડાણા)ના નેતૃત્વમાં કડાણા ગામના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિવત પુજા અર્ચના કરી ઓરિજિનલ શિવલિંગ અહીંયા સ્થાપિત કર્યું હતું.