ઝાલોદ કોળીવાડાની સસ્તા અનાજ દુકાનમાં ગેરરીતિ બદલ પરવાનો રદ: ગાંધીનગરની ટિમ દ્વારા થોડા દિવસ પહેલા આકસ્મિક તપાસ કરાઈ હતી.

  • ગેરરીતિ સામે આવતા ત્રણ માસ સુધી દુકાન સસ્પેન્ડ કરાઈ.

દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં છાસવારે સસ્તા અનાજના સંચાલક દ્વારા અનાજની કટકી કરવાની ફરિયાદો ઉઠવામાં પામી છે. જેને લઈને ગાંધીનગરની વિજીલન્સ ટિમ દ્વારા આકસ્મિક દરોડા પાડીને તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ઝાલોદ કોળીવાડા વિસ્તારના સંચાલક યોગેશ કોઠારીની દુકાનમાં પણ તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન ગેરરીતિ સામે આવતા શનિવારના દિવસે ઝાલોદ પુરવઠા વિભાગની ટીમ દ્વારા દુકાન સ્થળે આવીને પરવાનો રદ કરવાની કાર્યવાહી કરી હતી. પુરવઠા તંત્ર દ્વારા ત્રણ માસ માટે દુકાન સસ્પેન્ડ કરીને તેનો ચાર્જ ગરાડું દુકાનદારને આપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. દુકાન સસ્પેન્ડની કાર્યવાહીને લઇને અન્ય દુકાનદારોમાં ફફડાટ વ્યાપેલો જોવા મળ્યો હતો.