હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છવાઈ બરફની ચાદર, લઘુત્તમ તાપમાન માઈનસ ૧ ડિગ્રી નોંધાયું

આબુ, ગુજરાતીઓનું ખૂબ જ પસંદગીનું ફરવા જવાનું સ્થળ માઉન્ટ આબુ છે, જ્યાં હાલ ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં હાલ પારો ગગડ્યો છે.લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી પહોંચી ગઇ છે. માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી પડતાં સહેલાણીઓ ઠુંઠવાયા છે.

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. તીવ્ર ઠંડીના કારણે લોકોની દિનચર્યા પર પણ ખાસ્સી અસર પડી છે, ત્યારે રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુના લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. હિલ સ્ટેશન પર લઘુત્તમ તાપમાન માઈનસ ૧ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનનો પારો ગગડતા હિલ સ્ટેશન પર બરફની ચાદર છવાઈ હતી.

ઘરો અને હોટલોની બહાર પાર્ક કરેલ કારની છત પર અને મેદાનોમાં ઘાસ પર બરફ જામી ગયો હતો. પ્રવાસીઓ તેમની કાર પર બરફ જોઈને રોમાંચિત થઈ ગયા હતા, તો ઠંડીથી બચવા માટે પર્યટકો ગરમ વો તેમજ બોનફાયર પ્રગટાવીને પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.