અમદાવાદ, અમદાવાદ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસને વિતેલા વર્ષ ૨૦૨૩માં નવા પાસપોર્ટ માટે વિક્રમી સંખ્યામાં એટલે કે, ૮.૭૦ લાખ અરજીઓ મળી હતી. જે પૈકી ૮.૫૨ લાખ અરજદારોને પાસપોર્ટ પણ આપી દેવાયા હતા. ગયા વર્ષ ૨૦૨૨ની સરખામણીમાં ૨૦૨૩ના વર્ષમાં ૩૬ ટકા વધુ પાસપોર્ટ આપવામાં આવ્યા હતા. છેલ્લા છ વર્ષમાં પાસપોર્ટ મેળવવા માટે સૌથી વધુ અરજીઓ ૨૦૨૩ના વર્ષમાં કરવામાં આવી હતી. તેની સાથોસાથ વધુને વધુ પાસપોર્ટ પણ ઈસ્યું કરવામાં આવ્યા હતા.
ગુજરાતીઓમાં વિદેશ જવાની ઈચ્છા વર્ષોવર્ષ વધી રહી છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ૨૦૨૩માં છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ લોકોએ પાસપોર્ટ મેળવવા માટે પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસને અરજી કરી છે. અમદાવાદ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ દ્વારા વર્ષ ૨૦૨૩માં વિક્રમી કહી શકાય એટલી સંખ્યામાં એટલે કે, ૮.૫૨ લાખ પાસપોર્ટ બનાવ્યા છે અને ઈસ્યું કર્યા છે. પાસપોર્ટ ઈસ્યુ કરવાની સંખ્યા ગયા વર્ષ ૨૦૨૨ કરતા ૩૬.૫ ટકા વધુ છે. પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસને ૨૦૨૩માં વિક્રમી કહી શકાય એટલી, ૮.૭૦ લાખ અરજીઓ નવા પાસપોર્ટ મેળવવા માટે મળી હતી. જે ગયા વર્ષ ૨૦૨૨ કરતા ૩૫.૨૮ ટકા વધુ છે. ગયા વર્ષે ૬.૪૩ લાખ અરજીઓ પાસપોર્ટ કચેરીને મળી હતી.
આ માહિતી અમદાવાદના આરપીઓ દ્વારા શેર કરવામાં આવી હતી. આરપીઓ અરજદારોને તેમના પાસપોર્ટ વહેલી તકે મળી રહે તે માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે. આ તેનું પરિણામ છે, જ્યાં ગયા વર્ષે ૬ લાખ ૨૪ હજાર ૩૮૪ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા. તેની સરખામણીમાં ૨૦૨૩માં ૨ લાખ ૨૭ હજાર ૯૧૦ વધુ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે. જે ટકાવારીની દૃષ્ટિએ ૩૬.૫ ટકા વધુ છે.
પાસપોર્ટ ઈચ્છુક લોકોને જલદીથી પાસપોર્ટ મળી રહે તે માટે અમદાવાદ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓએ સમગ્ર વર્ષ દરમિયાન જાહેર રજાના દિવસે પણ કચેરીને ચાલુ રાખીને પાસપોર્ટ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. અમદાવાદ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓએ કુલ ૩૮ જેટલા શનિવાર અને જાહેર રજાઓમાં પણ કામ કર્યું છે. જેના કારણે ૨૦૨૩ના વર્ષમાં લોકોને વિક્રમી સંખ્યામાં પાસપોર્ટ ઈસ્યુ કરી શકાય.ભારતીય પાસપોર્ટ માટે એપ્લાય કર્યા બાદ તેના ઈશ્યુ માટે ઘણી પ્રક્રિયાઓ કરવી પડે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોની અરજીઓ કોઈને કોઈ કારણસર નકારવામાં આવે છે. પાસપોર્ટ માટે કરેલ અરજી કયા કારણોસર નકારવામાં આવી છે અથવા તો અટકાવવામાં આવી છે તેના માટે અત્યાર સુધી પાસપોર્ટ ઈચ્છુક લોકોએ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઇને આરપીઓ અમદાવાદ ઓફિસમાં જવું પડતું હતું. કામકાજના ભારણને ધ્યાને લઈને અમદાવાદ પાસપોર્ટ કચેરી દ્વારા દરરોજ માત્ર ૧૦૦ લોકોને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ ફાળવે છે. પરંતુ હવે પાસપોર્ટ અરજદારો સોમવાર, બુધવાર અને શુક્રવારે સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી અમદાવાદની પાસપોર્ટ ઓફિસમાં એપોઈન્ટમેન્ટ વિના પણ જઈ શકશે. તેઓ તેમની પાસપોર્ટ અરજીની પ્રગતિ અને વિલંબના કારણો વિશે માહિતી મેળવી શકશે. તેઓ પાસપોર્ટ માટે જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરી શકશે. આરપીઓ અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર, ગત વર્ષની સરખામણીમાં આરપીઓ અમદાવાદ તરફથી ઈસ્યુ કરાયેલ પીસીસીમાં ૫૫.૮ ટકાનો વધારો થયો છે. ૨૦૨૩માં ૭૬૭૦૦ પીસીસી ઈસ્યુ કરવામાં આવ્યા છે.