ભરૂચના ચાવજ ગામના મુસ્લિમ યુવાને હિંદુ નામ ધારણ કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી

ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી યુવતિને. સોશિયલ મીડિયા પર આર્ય પટેલ નામના યુવાન સાથે સંપર્ક થયો હતો. છેલ્લાં ચાર વર્ષથી યુવાને તે મુસ્લિમ હોવાની તેમજ પરીણિત હોવાની માહિતી છુપાવી પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. દરમિયાનમાં યુવતિને તેની હકિકતની જાણ થતાં યુવતિએ ચાવજ ગામે તેના ઘરે જઇ તેને મેથીપાક ચખાડ્યો હતો. બનાવને પગલે ભરૂચ એસપીને જાણ કરવામાં આવતાં મહિલા પોલીસની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં યુવાનની કરતૂતના પુરાવા એકત્ર કરી પોલીસે મામલામાં ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી છે.

ભરૂચ તાલુકામાં આવેલા એક ગામમાં રહેતી યુવતિ ભરૂચમાં નોકરી અર્થે આવતી હતી. દરમિયાનમાં સોશિયલ મીડિયાનો તે ઉપયોગ કરી રહી હતી. તે વેળાં આર્ય પટેલ નામના યુવાન સાથે તેનો સંપર્ક થયો હતો. સમયાંતરે તેમની વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યો હતો. છેલ્લાં ચારેક વર્ષથી તેમની વચ્ચે પ્રેમ સંબંધ હતાં. દરમિયાનમાં યુવતિને કોઇ રીતે જાણ થઇ હતી કે, તેની સાથે મૈત્રી કરનાર આર્ય પટેલનું સાચુ નામ આદીલ પટેલ છે અને તે ચાવજ ગામનો રહેવાસી છે. ઉપરાંત તે પરીણિત હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો. ઘટનાને પગલે યુવતિને ભારે મોટો ઝાટકો લાગ્યો હતો.

આખરે તેનો પિત્તો જતાં તે સીધી ચાવજ ગામે તેના ઘરે પહોંચી ગઇ હતી. જ્યાં તેને આદીલ પટેલ મળી આવતાં તેણે તેને લાફા ચોડી દીધાં હતાં. જેના પગલે આસપાસના લોકો એકત્ર થઇ ગયાં હતાં. લોકોએ તેમજ આદીલના પરિવારજનોએ યુવતિને કારણ પુછતાં તેણે સમગ્ર હકિકત જણાવતાં તેઓ પણ ચોંકી ઉઠ્યાં હતાં. ગામમાં ભારે ભવાડો થયેલાનો વિડિયો કેટલાંક લોકોએ વાયરલ કરતાં મામલો કેટલાંક હિન્દુ સંગઠનો પાસે પહોંચતાં તેમણે યુવતિની પડખે ઉભા રહીં હિંમત આપી ઘટના અંગે ભરૂચ એસપીને રજૂઆત કરી હતી. જેના પગલે એસપીએ તેની તપાસ મહિલા પોલીસ સ્ટેશનને સોંપતાં ટીમે સમગ્ર મામલાની તપાસ કરી ઘટના અંગે ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી છે.

મને એક હિન્દુ સંગઠનના વ્યક્તિનો ફોન આવ્યો હતો કે, તમારા ગામમાં બબાલ થઇ છે જેથી હું તુરંત સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં યુવતિ અને યુવાન બન્ને પક્ષોને સાંભળ્યાં હતાં. યુવકે ભુલ કરી હોવાની કબુલાત પણ કરી હતી. યુવતિને અમે તારે ફરિયાદ કરવી હોય તો કહે તને જ્યાં જરૂર હશે ત્યાં અમે તને મદદ કરીશું તેમ જણાવ્યું હતું. બાદમાં અન્ય એક મહિલા સંગઠનમાંથી આવેલાં બેન તેને લઇને જતાં રહ્યાં હતાં. > ઝીણા ભરવાડ, માજી સરપંચ, ચાવજ

આર્ય પટેલના નામે મૈત્રી કરનાર યુવાન હકિકતમાં આદીલ પટેલ હોવાનું યુવતિને માલુમ પડ્યુ હોવાની જાણ કોઇ રીતે આદીલને થતાં તેણે બે કાન પકડી માફી માગતો વિડિયો યુવતિને મોકલતાં યુવતિએ પિત્તો ગુમાવ્યો હતો. તેણે તેના ઘરે જઇ લાફાવાળી કરી હતી.

યુવતિને ભોળવવા હિન્દુ નામ ધારણ કર્યાં બાદ તેની સાથે લગ્ન કરવા સુધીની તૈયારી આદીલે કરી હતી. તે યુવતિના ગામે પણ પહોંચી ગયો હતો અને યુવતિના પરિવારજનોને મળી તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા પણ દર્શાવી હતી.​​​​​​​ પરિવારજનોએ તેના માતા-પિતા અંગે પુછતાં તેઓ મરણ ગયાં હોવાનું જણાવી તેમને પોતાના પ્રત્યે લાગણીશીલ બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.