સુપ્રીમ કોર્ટનો નીતિશ સરકારને મોટો આદેશ, જાતિ સર્વેની વિગતો જાહેર કરવી પડશે

પટણા, બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની સરકારે જાતિ આધારિત સર્વે કરાવ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. અરજી પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને જાતિ સર્વેક્ષણના ડેટા બ્રેકઅપને સાર્વજનિક કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે, આ મામલામાં આગામી સુનાવણી ૨૯ જાન્યુઆરીએ થશે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ બિહારમાં કરાયેલા જાતિ સર્વેક્ષણના ડેટા લોકોને ઉપલબ્ધ ન કરાવવાથી ચિંતિત છે. જો કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ સર્વેક્ષણને પડકારવા માંગે છે, તો તેની પાસે સર્વેક્ષણનો ડેટા હોવો જોઈએ.

તમને જણાવી દઈએ કે પટના હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં ૨ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ આપેલા આદેશમાં બિહાર સરકારના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો હતો. જાતિ આધારિત સર્વેના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર ૨૦૨૩માં બિહાર સરકારના પ્રભારી મુખ્ય સચિવ વિવેક સિંહે જાતિ સર્વેક્ષણ રિપોર્ટ આંશિક રીતે બહાર પાડ્યો હતો. આ મુજબ બિહારમાં સામાન્ય વર્ગના લોકોની વસ્તી ૧૫ ટકા છે. પછાત વર્ગની વસ્તી ૨૭ ટકાથી વધુ છે, જ્યારે અનુસૂચિત જાતિની વસ્તી લગભગ ૨૦ ટકા છે. સરકાર દ્વારા કુલ ૨૧૪ જ્ઞાતિઓનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. તેમની વચ્ચે કેટલીક જ્ઞાતિઓ એવી છે જેમની કુલ વસ્તી સો કરતાં ઓછી છે.

રિપોર્ટમાં ૨૧૪ જ્ઞાતિઓ સિવાય અન્ય જ્ઞાતિઓનો પણ ૨૧૫મા નંબરે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર રાજ્યની કુલ વસ્તી ૧૩,૦૭,૨૫,૩૧૦ છે. સર્વેક્ષણ કરાયેલા પરિવારોની કુલ સંખ્યા ૨,૮૩,૪૪,૧૦૭ છે. જેમાં પુરૂષોની કુલ સંખ્યા છ કરોડ ૪૧ લાખ અને મહિલાઓની સંખ્યા છ કરોડ ૧૧ લાખ છે. રાજ્યમાં ૧૦૦૦ પુરુષોએ ૯૫૩ સ્ત્રીઓ છે.

બિહારમાં ૮૧.૯૯ ટકા એટલે કે લગભગ ૮૨% હિંદુઓ છે. ઇસ્લામ ધર્મના અનુયાયીઓની સંખ્યા ૧૭.૭% છે. બાકીના ખ્રિસ્તીઓ, શીખો, બૌદ્ધ, જૈનો અથવા અન્ય ધર્મોના અનુયાયીઓની સંખ્યા ૧% કરતા ઓછી છે. રાજ્યના ૨૧૪૬ લોકોએ પોતાનો ધર્મ જાહેર કર્યો નથી.

જાતિ સર્વેક્ષણ સાથે સંબંધિત અન્ય એક હકીક્ત એ છે કે જ્યારે બિહારમાં મુખ્ય પ્રધાન નીતિશ કુમારની પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સાથે સરકારમાં હતી, ત્યારે બિહાર વિધાનસભા અને વિધાન પરિષદે રાજ્યમાં જાતિ આધારિત વસ્તીગણતરી કરાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. ૧ જૂન, ૨૦૨૨ ના રોજ મળેલી સર્વપક્ષીય બેઠકમાં, જાતિ આધારિત ગણતરી હાથ ધરવાનો પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.