કાલોલના મલાવ રોડ ઉપર પાણી પુરવઠાની પાઈપલાઈન માટે ઉભા પાકના ખેતરોમાં ખોદકામ

કાલોલ, કાલોલ તાલુકાના મલાવ રોડ પરથી પસાર થતી પાણી પુરવઠાની પાઈપલાઈન અંગેની કામગીરી દરમિયાન જવાબદાર કોન્ટ્રાકટરે ઉભા પાકના ખેતરમાં જેસીબીથી ખોદકામ કરીને પાઈપલાઈન નાંખતા તંત્ર વિરુદ્ધ ખેડુતોમાં રોષ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે પાણી પુરવઠા વિભાગથી યોજના અંતર્ગત સંપ અને પાઈપલાઈનની કામગીરી હાલ ચાલી રહી છે. જે મઘ્યે કાલોલ તાલુકાના મલાવ રોડ સ્થિત મેદાપુર, જેતપુર અને તરવડા જેવા ગામોમાં પાણી પુરવઠાની એક અલગ લાઈન નાંખવા માટે મેદાપુર પાટીયાથી હાઈવે સુધી રોડની સાઈડમાં જેસીબીથી ખોદકામ કરીને પાઈપલાઈન નાંખી હતી. જે મઘ્યે મલાવ રોડ સ્થિત મેદાપુર પંચાયતના જેતપુર ગામની સીમમાં આવેલ રોડ પરના ખેતરો પૈકી કામ કરતા કોન્ટ્રાકટરે ગમે તે કારણોસર રોડની સાઈડને સ્થાને રોડની બાજુમાં આવેલ ખેતરોમાં ઉભા પાકો વચ્ચે બે ત્રણ કિ.મી.સુધી જેસીબીથી ખોદકામ કરીને પાઈપલાઈન નાંખવામાં આવી હતી. જે અંગે અસરગ્રસ્ત ખેડુતોના જણાવ્યા મુજબ તેમના ખેતરમાં ખોદકામ કરતા પહેલા ખેડુતોને જોગ કોઈ જાહેરાત કે ખેડુતોને કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. આમ જાણકારી આપ્યા વિના લાઈન પર ધણી જગ્યાઓએ ખેતરોમાં ઉભા પાકોને નુકસાન પહોંચાડવામાં આવ્યુ હોવાનુ ખેડુતોએ જણાવ્યુ હતુ. જેથી જવાબદાર તંત્રએ જરૂરી દેખરેખ હેઠળ સમગ્ર પાણી પુરવઠાની પાઈપલાઈન નાંખવા દરમિયાન અસરગ્રસ્ત ખેડુતોને પાક નુકસાનીનુ વળતર ચુકવવામાં માંગ કરી છે.