મોબાઇલ ગેમમાં પરિવારની હત્યાનું ટાસ્ક મળ્યું?:પુત્રએ માતા-પિતા, બહેનને કુહાડીથી રહેંસી નાખ્યાં, ૨૦ કલાક મોબાઇલમાં ગેમ રમતો હતો

રાજસ્થાનના નાગૌરમાં શનિવારે રાત્રે પાદુકલા શહેરમાં 20 વર્ષના પુત્રએ તેનાં માતા-પિતા અને બહેન પર કુહાડીથી હુમલો કરીને તેમની હત્યા કરી હતી. હત્યારો પુત્ર પોતે સરેન્ડર કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ગુનો કબૂલી લીધો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ એક મહિના પહેલાં હત્યાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ તે સફળ થયો નહોતો.

તે મોબાઈલનો એટલો બધો વ્યસની થઈ ગયો હતો કે 24માંથી 20 કલાક મોબાઈલ પર ગેમ રમતો હતો. જ્યારે પોલીસે તેના મોબાઈલની સર્ચ હિસ્ટ્રી તપાસી તો તેઓ ચોંકી ગયા. હત્યા બાદ તેણે પોતાના મોબાઈલમાં આપઘાત કરવાના રસ્તા પણ શોધી કાઢ્યા હતા. તેણે પોલીસને કહ્યું કે આ હત્યા બાદ તેને કોઈ પસ્તાવો નથી.

પાડોશમાં રહેતા લોકો તે યુવકને સાઇકો કહી રહ્યા છે. આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન હજુ પણ એ છે કે બીજા વર્ષમાં અભ્યાસ કરતા 20 વર્ષના યુવકે તેનાં માતા-પિતા અને બહેનની હત્યા શા માટે કરી?

આજુબાજુના લોકો સાથે વાત કર્યા બાદ ખબર પડી કે આરોપી મોહિત સાઇકો પ્રકારનો છે. તેના પિતા દિલીપ સિંહ ઝવેરી હતા. મોહિત પણ એ જ દુકાને બેસતો. તે ઘણીવાર પોતાના મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો. શેરીમાં તેના કોઈ મિત્રો પણ નહોતા તેમજ તે કોઈની સાથે વધારે વાત પણ કરતો ન હતો. જ્યારે પણ લોકો તેને જોતાં ત્યારે તે હંમેશાં તેના મોબાઈલમાં ગેમ રમતો જોવા મળતો હતો.

મોહિતને ઓળખતા ઘણા લોકોએ કેમેરા સામે જણાવ્યું કે તે મોબાઈલ પર ભારતમાં પ્રતિબંધિત ઘણી ગેમ રમતો હતો. તેણે સાંભળ્યું હતું કે તે રમતોમાં ખેલાડીઓને કેટલીકવાર અલગ-અલગ જોખમી ટાસ્ક મળે છે. મોહિતે સમગ્ર પરિવારની હત્યા કરી હતી, ત્યાર બાદ તેણે પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેને સફળતા ન મળી તો તે સરેન્ડર કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

પરિવારની આ હત્યાથી શંકા ઊભી થાય છે કે શું તેને ઓનલાઈન ગેમમાં ક્યાંક લાઈવ મર્ડર ટાસ્ક મળ્યું હતું, જેને તેણે અંજામ આપ્યો હતો? આ પછી તેને આત્મહત્યાનું ટાસ્ક પણ મળ્યું, જેમાં તે નિષ્ફળ ગયો અને સરેન્ડર કરવા માટે પોલીસ સ્ટેશન ગયો. જોકે પોલીસ અત્યારે આ અંગે વધુ ખુલાસો કરતી નથી.

આ પછી હત્યારો પુત્ર મોહિત આખી રાત ગૂગલ પર તેના મોબાઈલ પર આપઘાત કરવાના રસ્તા શોધતો રહ્યો. પોલીસ તપાસ દરમિયાન તેના મોબાઈલની સર્ચ હિસ્ટ્રીમાં પણ આ હકીકતની પુષ્ટિ થઈ હતી. તેને મરવાનો ડર હતો, તેથી તેણે હાથની નસ કાપીને વ્યક્તિના મૃત્યુમાં કેટલો સમય લાગે છે અને પાણીમાં ડૂબી જવાથી વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે થાય છે તેની તપાસ કરી. આખરે સવાર સુધીમાં, તે આ કરવા માટે તેના ઘરની પાણીની ટાંકીમાં કૂદી ગયો, પરંતુ બચી ગયો. થોડીવાર પછી તે પાણીમાંથી બહાર નીકળી ગયો હતો.

આ પછી રવિવારે સવારે જ્યારે દૂધવાળો આવ્યો ત્યારે મોહિતે તેને કહ્યું કે પરિવારના સભ્યો બહાર ગયા હોવાથી તે આજે દૂધ લેવાનું નથી. આ પછી મોહિત ઘરેથી બિસ્કિટ ખાઈને પદુકલાં પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં જઈને તેણે ગેટ પર બેઠેલા કોન્સ્ટેબલને SHO માટે પૂછ્યું. અહીં તેણે કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી પણ શરૂ કરી દીધી હતી. આ પછી તેણે સમગ્ર ઘટના જણાવી.

પોલીસે તેને પાણીમાં તરબોળ જોયો અને ઘટનાની જાણ થતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા. તરત જ SHO માનવેન્દ્ર સિંહ જબતે સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. હત્યારા મોહિતને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે હત્યારા મોહિતે પહેલા રૂમમાં સૂઈ રહેલા તેની માતા રાજેશ કંવર અને બહેન પ્રિયંકા કંવર પર કુહાડી વડે હુમલો કરી હત્યા કરી હતી. માતા અને બહેનની ચીસો સાંભળીને અલગ રૂમમાં સૂતેલા પિતા દિલીપસિંહ જાગી ગયા હતા. તેઓ કંઈ કરે એ પહેલાં મોહિતે કુહાડી વડે હુમલો કર્યો હતો.

પિતા બચવા માટે સીડી તરફ દોડ્યા, પરંતુ મોહિતના ઉગ્ર હુમલાઓ એવા હતા કે તે થાકી ગયા અને નીચે પડી ગયા. કુહાડીના ઘા એટલા ઘાતકી હતા કે દિલીપ સિંહ, રાજેશ કંવર અને પ્રિયંકાના મૃતદેહમાંથી લોહીના છાંટા ઘરની ચારે બાજુ પડ્યા. દીવાલો પર 10-12 ફૂટ સુધી લોહીના છાંટા ઊડ્યા હતા. આ પછી મોહિત ત્રણેય માતા-પિતા અને બહેનના મૃતદેહો પાસે જ બેસી ગયો.

મૃતક દિલીપ સિંહ 15 વર્ષ પહેલાં તેમની પુત્રી પ્રિયંકા કંવરના જન્મ બાદ ચેન્નઈ આવી ગયા હતા. માત્ર એક વર્ષ પહેલાં જ આખો પરિવાર પાદુકલાંમાં પાછો ફર્યો હતો અને સ્થાયી થયો હતો. અહીં તેઓ જ્વેલર્સની દુકાન ચલાવતા હતા. મોહિત બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તે દુકાને બેસતો હતો. જ્યારે પોલીસે મોહિતની પૂછપરછ કરી તો ખબર પડી કે તેણે એક મહિના પહેલાં તેના પિતા દિલીપ સિંહની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. તેણે આ પ્લાનિંગ કેવી રીતે કર્યું અને તે શા માટે હત્યા કરવા માગતો હતો એ પોલીસની વધુ તપાસમાં જ બહાર આવી શકશે.