ગોધરાકાંડ બાદ 20 વર્ષ સુધી બંધ રહેલું પ્રવેશ દ્વાર રેલવે પુન: શરૂ કરશે

ગોધરા રેલવે સ્ટેશનનો અમૃત ભારત રેલવે સ્ટેશનમાં સમાવેશ કરવામાં અાવ્યો છે. જેથી રેલવે તંત્ર દ્વારા ગોધરા રેલવે સ્ટેશન ખાતે પુરજોશમાં કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ છે. ગોધરા ખાતે વર્ષ 2002માં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનની ઘટના પહેલા રેલવેના મુખ્ય બે પ્રવેશ દ્વાર હતા. જેમાં જે તે સમયે પોલીસ ચોકી નં.7 પાસેના પ્રવેશ દ્વારને બંધ કરી દેવામાં આવેલ હતો. જે હવે ફરી ચાલુ કરવામાં આવશે. પણ પ્રવેશ દ્વાર પાસે રેલવેની હદ બહાર બનાવવામાં આવશે શૌચાલય નડતરરૂપ બનતા રેલવે તંત્ર દ્વારા શૌચાલય હટાવવા પાલીકાને જણાવ્યું છે.

તા. 27 ફેબ્રુઆરી 2002 ટ્રેનની ઘટના બાદ પોલીસ ચોકી નં.7 પાસે આવેલા રેલવે દ્વારા પ્રવેશ દ્વાર સદંતર બંધ કરી દેવામાં આવેલ હતો. બજેટમાં ગોધરા રેલવે સ્ટેશનનો અમૃત ભારત રેલવે સ્ટેશનમાં સમાવેશ થતા રેલવે તંત્ર દ્વારા ગોધરા રેલવે સ્ટેશનને સુશોભિત કરવા અને મુસાફરોને આકર્ષવા માટે અનેક કામગીરી હાથ ધરી 20 વર્ષ પહેલા બંધ કરાયેલા મુખ્ય પ્રવેશ દ્વાર હવે ફરી ચાલુ કરવા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ગોધરાકાંડ ટ્રેન હત્યાકાંડ બાદ મુસાફરોની સુરક્ષા માટે દ્વાર બંધ કરાયો હતો

ગોધરા રેલવે સ્ટેશન પશ્ચિમ વિસ્તારમાં આવેલ છે. રેલ્વે સ્ટેશનમાં આઉટ અને ઇન એમ બે પ્રવેશદ્રાર હતા. વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી ટ્રેન હત્યાકાંડ સર્જાયા બાદ ગોધરા રેલ્વે સ્ટેશન પર આવતા મુસાફરોમાં ભય પ્રસરી ગયો હતો. કમ્પાઉન્ડ વોલ નીચી હોવાથી દિવાલ ઉચી કરવા રજુઆત કરી હતી. જેને લઇને રેલવે વિભાગ દ્વારા ચોકી-7 પાસેના પ્રવેશ દ્રારનેઆડશ મુકીને બંધ કરી દીધો હતો. તેમજ કમ્પાઉન્ડ વોલ પર ઉચી કરી દીધી હતી. હાલ ગોધરા રેલ્વે સ્ટેશનનો અમૃત ભારત રેલવે સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવતા બંધ પ્રવેશ દ્રાર ખોલવામાં આવવાની હલચલ ચાલી રહી છે. બંધ પ્રવેશદ્રાર ખુલ્યા બાદ બે પ્રવેશદ્રારમાંથી એકમાં ઇન અને એકમાં આઉટની સુવિધાઓ ઉભી કરાશે. નવા બે પ્રવેશદ્રાર બનવાથી મુસાફરોના વાહનોને સરળતાથી પ્રવેશ મળશે.