રોગને પડકાર,સૂર્યને નમસ્કાર:મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના આઇકોનીક સ્થળ રૈયોલી ડાયનાસોર ફોસીલ પાર્ક ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્ર્મ યોજાયો

મહીસાગર, નવા વર્ષના પ્રારંભે સૂર્યની પ્રથમ કિરણ સાથે ગુજરાતે સૂર્ય નમસ્કાર થકી વિશ્ર્વ વિક્રમ સ્થાપિત કર્યો છે અને ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ વિશ્વ વિક્રમમાં મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકો પણ સહભાગી બની આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. આજે નૂતનવર્ષના પ્રારંભે તા.01 જાન્યુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજરોજ મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના આઇકોનીક સ્થળ રૈયોલી ડાયનાસોર ફોસીલ પાર્ક ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્ર્મ યોજાયો હતો.

રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ મોઢેરા સૂર્યમંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમના અંતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના તમામ વિજેતા સ્પર્ધકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મહીસાગર જીલ્લા સહિત અન્ય જીલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમ વડે રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ, યોગ કોચ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.