ગરબાડામાં એસ.ટી.નિગમે બસો માટે બનાવેલા પીકઅપ સ્ટેન્ડ પર બસ આવે તેવી માંગ

ગરબાડા, પાછલા ધણા સમયથી ગરબાડા પોલીસ નગરમાં દબાણ હટાવવાની તેમજ ટ્રાફિક સમસ્યા નિવારણ બાબતની કામગીરી કરી રહી છે. હાલમાં નગરમાં ચારે તરફ રસ્તા પહોળા થયેલ જોવા મળે છે. અને ટ્રાફિક સમસ્યાનો અંત આવ્યો હોય તેમ લાગી રહ્યુ છે.

તેની સામે નગરના વેપારીઓના ધંધા-વેપાર પડી ભાંગ્યા છે. દુકાને વેપાર લેવા આવેલ વ્યકિતની બાઈક દુકાન આગળ ઉભી હોય તો તેને તાત્કાલિક અસરથી મેમો આપવામાં આવે છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો ગામમાં આવતા ગભરાય છે. પોલીસ વિભાગ દ્વારા આ બાબતે થોડી છુટછાટ અપાય તે જરૂરી છે. ભુતકાળમાં પીકઅપ સ્ટેન્ડ સહિત નગરના અન્ય વિસ્તારોમાં ટ્રાફિક હોવાના કારણે એસ.ટી.નિગમની બસો ગામમાં આવતી ન હતી પરંતુ હાલમાં ટ્રાફિકની સમસ્યાનો અંત આવ્યો હોવાના કારણે તમામ બસો ગામના પીકઅપ સ્ટેન્ડ પર આવે તે જરૂરી છે. હાલમાં તમામ બસો બાયપાસ રોડ ઉપર આવતી-જતી હોય છે. ધણીવાર તો બસના ચાલકો તળાવ ઉપર બસ ઉભી રાખતા નહિ હોવાનુ જોવા મળે છે. જયાં સુધી તાલુકા મથકનુ નવીન બસ સ્ટેન્ડ નહિ બને ત્યાં સુધી દાહોદ ડેપો મેનેજર આ બાબતે ઘ્યાન દોરે તે જરૂરી છે. જેથી કરી મુસાફરોને બસ સેવાનો લાભ મળી રહે.