ગરબાડા, ગરબાડાના રિલાયન્સ પેટ્રોલપંચ પાસેથી તા.23મીના રોજ જીજે-ડબ્લ્યુ-6195 નંબરની પેસેન્જર રિક્ષાની ચોરી થઈ હતી. આ સંબંધે રિક્ષા માલિક ખારવા ગામના આશિષભાઈ મહેન્દ્રભાઈ ભુરીયાએ અજાણ્યા ચોરો સામે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રિક્ષાની 75 હજાર કિંમત આંકી વાહન ચોરીનો ગુનો દાખલ કર્યો હતો. આ ચોરી કરેલી રિક્ષાની નંબર પ્લેટ કાઢી ભરૂચના આમોદમાં ફરતો હતો ત્યારે ભરૂચ એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક વ્યકિત નંબર વગરની શંકાસ્પદ રિક્ષા લઈને ફરતો હોવાની બાતમી મળતા આમોદથી ભીમપુરા ગામ તરફ જવાના રોડ ઉપર વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીવાળી રિક્ષા આવતા તેને અટકાવી હતી. અને રિક્ષા ચાલક પાસે કાગળો માંગતા તેણે સંતોષકારક જવાબ નહિ આવતા પોલીસે ગરબાડાના ભુરીયા ફળિયામાં રહેતો ભાનુ હરસિંગભાઈ ભુરીયાની શંકાસ્પદ હાલતમાં અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં તેની પુછપરછમાં જણાવ્યુ હતુ કે, આજથી સાત દિવસ અગાઉ ગરબાડા રિલાયન્સ પેટ્રોલપંપ ખાતેથી રિક્ષા ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ચોરી થઈ ત્યારે ગરબાડા પોલીસે રિક્ષાની કિંમત 75 હજાર આંકી હતી. જયારે આમોદમાં આ રિક્ષા પકડાતા ભરૂચ એલસીબી પોલીસે રિક્ષાની કિંમત એક લાખ આંકી હતી. રિક્ષા સાથે આરોપીની ધરપકડ કરી ભરૂચ પોલીસે આરોપીને ગરબાડા સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.