
લંડન, મનોરંજન જગતમાંથી વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે બ્રિટિશ અભિનેતા ટોમ વિલ્કિન્સનનું શનિવારે ૭૫ વર્ષની વયે અવસાન થયું હતું. ટોમના પરિવારે તેના મૃત્યુની માહિતી આપી છે. પરિવારે જણાવ્યું હતું કે વિલ્કિન્સનનું શનિવારે ઘરે મૃત્યુ થયું હતું. આ દરમિયાન તેની પત્ની અને તેનો પરિવાર તેની સાથે હતો. જો કે, અભિનેતાના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પરિવાર આ સમયે પ્રાઈવસી ઈચ્છે છે.
તમને જણાવી દઈએ કે વિલ્કિનસને કુલ ૧૩૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે, તેમને ૨૦૦૧ માં ફેમિલી ડ્રામા ‘ઈન ધ બેડરૂમ’માં તેમના કામ માટે શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં એકેડેમી પુરસ્કાર માટે નામાંક્તિ કરવામાં આવ્યા હતા. ૨૦૦૭માં, જ્યોર્જ ક્લુની અભિનીત ‘માઈકલ ક્લેટન’માં તેની ભૂમિકા માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતાની શ્રેણીમાં નામાંકન મળ્યું.
ટોમ વિલ્કિન્સનને ૨૦૦૮ની મિનિસિરીઝ જોન એડમ્સમાં અમેરિકન રાજકીય વ્યક્તિ બેન્જામિન ફ્રેક્ધલિનની ભૂમિકા માટે એમી અને ધ કેનેડીઝમાં જ્હોન એફ. કેનેડીના પિતા જોની ભૂમિકા માટે એમી નોમિનેશન પણ મળ્યું હતું. તેણે ૨૦૧૪ની સેલમામાં પ્રેસિડેન્ટ લિન્ડન બી. જ્હોન્સનની ભૂમિકા ભજવી હતી અને તે ગ્રાન્ડ બુડાપેસ્ટ હોટેલ અને ગર્લ વિથ અ પર્લ એરિંગમાં દેખાયો હતો. વિલ્કિનસનને ‘ધ ફુલ મોન્ટી’માં સ્ટીલ મિલના ભૂતપૂર્વ ફોરમેન ગેરાલ્ડ કૂપર તરીકેની ભૂમિકા માટે ટીકાકારોની પ્રશંસા મળી હતી. ટોમને ઘણી વખત અમેરિકન રાજકીય વ્યક્તિઓની ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવતો હતો. ‘ધ કેનેડીઝ’માં રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીના પિતાની ભૂમિકા માટે તેમને એમી એવોર્ડ માટે નામાંક્તિ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, તેને જોન એડમ્સમાં બેન્જામિન ફ્રેક્ધલિનની ભૂમિકા માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો.