નવી દિલ્હીઃ ગુજરાતમાં જ્યાં ડિસેમ્બરના અંતે પણ ઠંડી હજુ જોઈએ તેવી જામી નથી, ત્યાં ઉત્તર ભારતમાં ઠંડી કહેર વરસાવી રહી છે. કોલ્ડવેવથી મોટાભાગનાં રાજ્યો ઠરી ગયા છે. અતિ ગાઢ ધુમ્મસથી લોકોની મુશ્કેલી વધી છે.. અનેક ટ્રેનો રદ થતાં યાત્રિકો અટવાઈ પડે છે. આગામી 15 દિવસ સુધી ઉત્તર ભારતને આ સ્થિતિમાંથી રાહત મળે તેવી શક્યતા નથી.
સામાન્ય રીતે ગાઢ ધુમ્મસના આવા દ્રશ્યો પહાડી પ્રદેશોમાં જોવા મળતા હોય છે, જો કે આ દ્રશ્યો પહાડોના નહીં, પણ ઉત્તર ભારતના મેદાની ભાગોનાં છે.
જ્યાં ધુમ્મસ એટલું ગાઢ બન્યું છે કે અમુક ફૂટથી દૂર જોવું મુશ્કેલ બની જાય છે. સવારથી જ અતિ ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ જાય છે. ધૂળનું તોફાન ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાય છે..દિવસે પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહનો ચલાવવા પડ છે. લોકો તાપણાના સહારે છે..
દ્રશ્યતા ઘટી જતાં ઘણી ટ્રેનો રદ કરવી પડી છે, ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે..દિલ્લી એરપોર્ટ પર ફ્લાઈટોનો કાર્યક્રમ પણ ખોરવાઈ ગયો છે…યાત્રિકોએ કલાકો સુધી રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર રાહ જોવી પડે છે..
આ ધુમ્મસ કાતિલ ઠંડીનું પરિણામ છે. સમગ્ર ઉત્તર ભારત અત્યારે કોલ્ડવેવની ઝપેટમાં છે. લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. કાતિલ ઠંડીને કારણે લોકોની મુશ્કેલી વધી છે. લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળે છે. વાહનચાલકોની હાલત સૌથી કફોડી છે. ધુમ્મસને કારણે અકસ્માતોની વણઝાર પણ સર્જાઈ રહી છે.
પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી અને ઉત્તર પ્રદેશમાં 31મી ડિસેમ્બર સુધી કોલ્ડ ડે રહેવાની આગાહી છે, આ રાજ્યો ઉપરાંત ઉત્તર રાજસ્થાન અને બિહારમાં 31મી ડિસેમ્બર સુધી અતિ ગાઢ ધુમ્મસ છવાઈ રહેશે. જમ્મુ કાશ્મીર પણ કાતિલ ઠંડીની પકડમાં છે. શ્રીનગરમાં તાપમાન માઈનસમાં ઉતરી ગયું છે..ડલ તળાવનું પાણી થીજી જવાના આરે છે. ઠંડીમાં પણ પ્રવાસીઓ શ્રીનગર આવી રહ્યા છે.
લોકોને નજીકના સમયમાં કડકડતી ઠંડીથી રાહત નહીં મળે, કેમ કે હવામાન વિભાગે આગામી બે સપ્તાહ સુધી કોલ્ડવેવ યથાવત્ રહેવાની આગાહી કરી છે. 5 જાન્યુઆરી બાદ પંજાબ, હરિયાણા અને દિલ્લીમાં 68થી 100 ટકા સુધી શીતલહેરનું અનુમાન છે. જ્યારે યુપી, એમપી અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં 34થી 67 ટકા શીતલહેરનું અનુમાન છે. દેશના બાકીના ભાગોમાં બે સપ્તાહ સુધી શીતલહેરની કોઈ આગાહી નથી.
ઉત્તર ભારતના અન્ય રાજ્યો જ્યાં ધુમ્મસની પકડમાં છે, ત્યારે દિલ્લીમાં ધુમ્મસની સાથે પ્રદૂષણ ભળી જતાં લોકો માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું છે. ભાજપના કાર્યકરોએ મોઢા પર માસ્ક અને હાથમાં ઓક્સિજન સિલિન્ડર સાથે દિલ્લી સરકાર સામે વિરોધ નોંધાવ્યો..ભાજપે પ્રદૂષણના મોરચે દિલ્લી સરકાર પર નિષ્ફળ રહેવાનો આક્ષેપ કર્યો છે. ઉત્તર ભારતના લોકો કાતિલ ઠંડીમાંથી રાહત મળવાની રાહ જોઈ રહ્યા છે. જો કે ઉત્તરાયણ સુધી તેની શક્યતા ઓછી છે.