કાલોલ મુકામે નિશાચરો નિયમિત પણે સક્રિય હોવા છતાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીઓના બનાવોમાં મહદ અંશે ઘટાડો થયો તે મધ્યે વધુ એક ચિંતાજનક તસ્કારીના બનાવો સામે આવ્યા છે.હાલ ગાય અને ગૌ વંશની તસ્કરી સાથે સંકળાયેલા વિધર્મી ઈસમોએ કાલોલ નગરમાં પુનઃ સક્રિય થયા છે.
થોડા સમય પૂર્વે જ ગાય અને ગૌ વંશની કાલોલ નગર મધ્યે પસાર થતાં હાઈ વે પરથી તસ્કરી થતી હોવાની બૂમો ઉઠી હતી તે અનુસંધાને સ્થાનિક પોલીસ અને ગૌ રક્ષકોએ અસરકારક અભિયાનો ચલાવતા ગૌ તસ્કરીના બનાવોમાં પણ ઘટવા પામ્યા હતા. હાલના તબક્કે શિયાળાની કાતિલ ઠંડીનો લાભ લઈ ગૌ તસ્કરો ફરીથી એક વખત સક્રિય બન્યા છે.ત્યારે શુક્રવારના રોજ કાલોલ ડેરોલ સ્ટેશન રોડ પર સૂપેડા હોસ્પિટલ સામે આવેલી સોસાયટીમાં વહેલી સવારે ૪ થી ૫ ના સમય ગાળા મા ૫ થી ૬ જેટલા ઈસમોએ સફેદ કલરની કાર મા ગૌ તસ્કરીનો પ્રયાસ કર્યો હોવાનો વિડિયો વાયરલ થતાં સમસ્ત ગૌ પ્રેમીઓના હૈયા હચમચી ઊઠ્યો છે.
વાઇરલ વીડિયોમાં લગભગ પાંચ જેટલા ઈસમો અંદાજિત ૫૦૦ થી ૭૦૦ કીલો વજનની ગાયને બળજબરી પૂર્વક એક મોટરકારમાં ઢસડી જતાં હોવાનું જણાઇ રહ્યું છે ગાડી નો નંબર પણ દેખાઈ રહ્યો છે.જોકે યેનકેન પ્રકારે સ્વ બચાવ માટે ઝઝૂમી રહેલી ગાયે તસ્કરોને મચક ન આપતા મોટરકારમાંથી બહાર કૂદી જઈ તસ્કરોનો ફેરો નિષ્ફળ બનાવ્યો હતો.સમગ્ર બનાવ સોસાયટીના જ એક મકાનમાં લાગેલા કેમેરામાં કેદ થતાં ઘટનાનો પર્દાફાશ થયો છે. ગાય હિન્દુ સનાતન ધર્મમાં માતા તરીકે સાર્વત્રિક પૂજાતી હોઈ પોલીસ હવે નિશાચરોની સાથે- સાથે ગૌ તસ્કરો બેફામ અને બેકાબૂ બને તે પૂર્વે ઉદાહરણ રૂપ કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ઉલ્લેખનીય છે કે ઘટના જે સોસાયટીમાં બની તે વિસ્તાર કાલોલ ડેરોલ મુખ્ય રોડની નજીકમાં જ આવેલો છે ત્યારે ગાયોના રોજિંદા વિશ્રામસ્થળોની તસ્કરો દ્વારા રેકી કરી તસ્કરીને અંજામ આપતા હોવાની વાતો ચર્ચાઈ રહી છે.