ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર બેરોકટોક થઇ રહ્યો છે.

રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાય અને ભાજપ સરકાર વાહવાહી લુટે છે પરતું રાજ્ય અને દેશ-વિદેશમાં પાછલા બારણે અબજો રૂપિયાનું ડ્રગ્સ વેચાણમાં ગુજરાત ગેટવે બન્યું છે ત્યારે ‘ઉડતા ગુજરાતે’ ભાજપની ગીફ્ટ છે. તેમજ દેશના અને ગુજરાતના યુવાનોને બરબાદ કરનારી દારુ અંગેની નીતિઓ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર જણાવ્યું હતું કે ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર બેરોકટોક થઇ રહ્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૯૩૬૯૧ કીલો ડ્રગ્સ પકડાયુ, જયારે ૨૨૨૯ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૯૩૭૬૩ ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. મોઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે.

રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ના આંકડા પ્રમાણે રાજ્યના ૧૭ લાખ ૩૫૦૦૦ પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે ૧ લાખ ૮૫ મહિલાઓમાં પણ ડ્રગ્સની બંધાણી છે જે દર્શાવે છે ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્ર્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે.

જો પકડાયેલા ડ્રગ્સની માત્ર હજારો કિલોમાં છે તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે? ત્યારે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા અને એપી સેન્ટર બને તે ખુબ જ ચિંતાજનક છે.

રાજ્યમાં સરકાર પાસે આ ડ્રગ્સની બદીને નાથવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નહી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશનાં પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે ૧૯૬ પોલીસ જવાનની જરૂર જેની સામે હાલ માત્ર ૧૫૨ પોલીસ જવાન છે. ગુજરાતમાં પ્રતિલાખ જનસંખ્યા પ્રમાણે ૧૭૪ પોલીસ જવાન હોવા જેઇએ જેની સામે ગુજરાતમાં પ્રતિલાખ માત્ર ૧૧૭ પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછા પોલીસ જવાન છે. નશામુક્તિ અભીયાન, અવેરનેસ એક્ટીવીટી, ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે.

સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે લડાઈ લડતી ૭૫થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. ગુજરાતમાં ડ્રગ્સની ભયાવહ બદીને નાથવા સ્કુલ અને કોલેજમાં એન્ટી ડ્રગ્સ – નો ડ્રગ્સ કેમ્પેઇન ચલાવાવામાં આવે, વહેલીતકે પોલીસકર્મીઓની ભરતી કરે અને ડ્રગ્સ માફિયાઓ પર તાત્કાલિક કડક પગલાં લે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.

ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સ – નશીલા પદાર્થ

વર્ષ                         કિલો       લીટર      નંગ

વર્ષ ૨૦૧૮            ૧૫૧૧૭.૮           ૦          ૨૭૧૨૬

વર્ષ ૨૦૧૯            ૧૪૯૨૩.૪           ૦          ૪૨૦૦

વર્ષ ૨૦૨૦            ૧૩૨૧૩.૨           ૮૯૪.૩   ૩૩૦૩૦

વર્ષ ૨૦૨૧            ૨૧૩૦૭.૦           ૯૨.૩     ૮૬૨૨

વર્ષ ૨૦૨૨            ૨૯૨૩૦.૫૫        ૧૨૪૨.૬૮    ૧૮૫

કુલ                     ૯૩૬૯૧.૯૫        ૨૨૨૯.૨૮    ૭૩૧૬૩