દ્વારકા પોલીસની આબરુના ધજાગરા ઉડ્યા! ચોર પોલીસની જ જીપ લઈ ગયો

દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા પોલિસ મથક ના કમ્પાઉન્ડમાં રહેલ પોલીસની જ બોલેરો કારની ચોરી કરી ચોર ભાગી ગયો હતો. પરંતુ ગણતરીના કલાકોમાં જ જામનગરથી આરોપીની બોલેરો કાર સાથે ધરપકડ કરવામાં આવી છે. પરંતું આ ઘટનાથી દ્વારકા પોલીસની આબરુના ધજાગરા ઉડ્યા છે. ચારેતરફ દ્વારકા પોલીસની લોકોએ મજાક ઉડાવી. પોલીસ પોતાની જ વસ્તુ સલામત રાખી શક્તી નથી, તો નાગરિકોની વસ્તુ કેવી રીતે સાચવશે.

બન્યું એમ હતું કે, દ્વારકા પોલીસ મથકમાંથી જ પોલીસની ગાડી ચોરીની ચોંકાવનારી ઘટના બની હતી અને દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ગાડી અને આરોપીને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. દ્વારકાથી પોલીસની જ ગાડી ચોરી થયા બાદ આ ગાડી દ્વારકાથી નજીક આવેલ કુરંગા ટોલ અને બાદમાં ખંભાળિયા ટોલ નાકા પરથી પસાર થઈ હતી અને જામનગર તરફ જતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.ત્યારે દ્વારકા જિલ્લા એસઓજી અને જામનગર જિલ્લા એલસીબીની ટીમ દ્વારા બોલેરો કાર અને ચોરને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી હતી અને જામનગરના અંબર સિનેમા ચાર રસ્તા પરથી આરોપી મોહિત અશોક શર્માની ધરપકડ કરવામાં આવી છે, જે ગાંધીધામનો રહેવાસી હતો. તેને ગાડી સાથે પકડી દ્વારકા પોલિસ મથક લાવવામાં આવ્યો હતો.

સમગ્ર મામલો દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતિશ પાંડેય પાસે પહોંચતા તેમણે તુરંત આસપાસની જિલ્લા પોલીસને ઘટનાની જાણ કરી. સાથે સાથે ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને પણ પોલીસની સરકારી જીપ ગુમ થઈ હોવાની જાણ કરી હતી.દ્વારકા પોલીસ દ્વારા હવે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી અને વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે, કે તેણે કયા કારણોસર આ ગાડીની ચોરી કરી.