રામલલ્લાની ૩ મૂર્તિ પર ટ્રસ્ટના સભ્યોનો અભિપ્રાય:નિર્ણય અનામત: અંતિમ નિર્ણય પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ અને ચંપત રાયે લેવાનો છે. એક-બે દિવસમાં આખરી નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.

  • ’મૂર્તિ ની પસંદગીનું કામ પૂર્ણ થયું નથી. દરેકે પોતાનો મત લેખિતમાં આપ્યો

અયોધ્યા: અયોધ્યા માં રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રતિમા સ્થાપિત કરવા અંગેનો અંતિમ નિર્ણય આજે એટલે કે શુક્રવારે (૨૯ ડિસેમ્બર) લેવામાં આવ્યો નથી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ સભ્યોએ મહાસચિવ ચંપત રાયને લેખિતમાં ૩ પ્રતિમાઓ પર પોતાનો મત આપ્યો છે. હવે આ અંગે અંતિમ નિર્ણય પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ અને ચંપત રાયે લેવાનો છે. એક-બે દિવસમાં આખરી નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.

રામસેવકપુરમમાં રામલલ્લાની ત્રણ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આમાંથી એકને પ્રાણપ્રતિષ્ઠા માટે પસંદ કરવામાં આવશે. ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે.શુક્રવારે મંદિર ટ્રસ્ટની બેઠકનો બીજો દિવસ હતો. સવારે શરૂ થયેલી સભા મંદિર પરિસરમાં બપોરે ૧ વાગ્યા સુધી ચાલી હતી. ટ્રસ્ટના કુલ ૧૫ સભ્યોમાંથી ૧૦ સભ્યો સ્થળ પર હાજર હતા. બાકી ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ, કે.પરાશરણ સહિત ૫ સભ્યો ઓનલાઈન જોડાયા હતા.’બેઠક દરમિયાન તમામ સભ્યો મંદિર પરિસરથી ૩ કિલોમીટર દૂર રામસેવકપુરમ ગયા હતા. ત્યાં ત્રણ શિલ્પકારો દ્વારા બનાવેલી મૂર્તિઓ ટેબલ પર રાખવામાં આવી. તમામ સભ્યોએ લગભગ અડધા કલાક સુધી મૂર્તિઓને નજીકથી નિહાળી હતી.

આ પહેલાં બુધવારે (૨૭ ડિસેમ્બર) ટ્રસ્ટના સચિવ ચંપત રાયે કહ્યું હતું કે ભગવાન રામની ૫૧ ઇંચની ઉંચી પ્રતિમાની ત્રણ ડિઝાઇનમાંથી એકની પસંદગી કરવામાં આવશે. જે મૂર્તિમાં દિવ્યતા હોય અને ચહેરા પર બાળક જેવા હાવભાવ હોય તેને પસંદ કરવામાં આવશે.

રામલલ્લા ગર્ભગૃહમાં બાળકના રૂપમાં બિરાજશે. આ માટે રામલલ્લાની મૂર્તિઓ બનાવવામાં આવી છે અને તૈયાર છે. કર્ણાટકના બે અને રાજસ્થાનના એક પથ્થરમાંથી કુલ ત્રણ પ્રતિમા બનાવવામાં આવી છે. કર્ણાટકના પથ્થરની મૂર્તિ શ્યામ રંગની છે, જ્યારે રાજસ્થાનના સફેદ આરસની મૂર્તિ છે. કર્ણાટકના ડૉ.ગણેશ ભટ્ટ, જયપુરના કલાકાર સત્યનારાયણ પાંડે અને કર્ણાટકના અરુણ યોગીરાજે આ મૂર્તિઓ બનાવી છે.

કર્ણાટક રાજ્યમાં પ્રથમ શિલ્પકાર ગણેશ ભટ્ટને ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. ગણેશ ભટ્ટે અત્યારસુધીમાં ૧૦૦૦થી વધુ મૂર્તિઓ તૈયાર કરી છે, જે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ બ્રિટન, જર્મની, ફ્રાન્સ, અમેરિકા અને ઈટાલીમાં પણ સ્થાપિત કરવામાં આવી છે.બીજા શિલ્પકાર, સત્યનારાયણ પાંડે, જયપુરના પ્રખ્યાત શિલ્પકાર રામેશ્વર લાલ પાંડેના પુત્ર છે. તેમનો પરિવાર છેલ્લા ૭ દાયકાથી આરસના શિલ્પો બનાવી રહ્યો છે. તેમણે રાજસ્થાનના કમરાનાના સફેદ આરસમાંથી મૂત બનાવી છે.

ત્રીજા શિલ્પકાર, ૩૭ વર્ષીય અરુણ યોગીરાજ, મૈસૂર મહેલના કલાકારોના પરિવારમાંથી આવે છે. તેમણે ૨૦૦૮માં મૈસૂર યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું, પછી એક ખાનગી કંપનીમાં કામ કર્યું. પછી આ વ્યવસાયમાં આવ્યા. જોકે, તેમને બાળપણથી જ શિલ્પ બનાવવા તરફ લગાવ હતો. પીએમ મોદીએ પણ તેમના કામનાં વખાણ કર્યાં છે.

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ડિસેમ્બરે એટલે કે આવતીકાલે અયોધ્યા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન માત્ર અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર યુપીને કરોડોની કિંમતની ભેટ આપવામાં આવશે. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે દિવસે અયોધ્યાને લગભગ ૬ હજાર કરોડ રૂપિયાની ભેટ મળશે. હવે આ ભેટ વધીને ૧૬ હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે.

વડાપ્રધાન મોદી અયોધ્યાને એરપોર્ટ, હાઈવે, રેલ્વે સ્ટેશન અને રેલ્વે લાઈનના ડબલીંગ સહિત અનેક મોટી યોજનાઓ ભેટમાં આપશે. આમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે સંબંધિત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ચાર મુખ્ય રસ્તાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓના કેટલાક પ્રોજેક્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય પીએમ નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન અયોધ્યામાં ’વિકાસના નવા યુગ’ની શરૂઆત સાબિત થશે. આ અવસર પર દેશને નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળવાની સાથે અયોધ્યાને ૧૬ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ મળશે.

અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદી જનસભાને સંબોધશે. તે જાહેર સભામાં જ ૧૫ હજાર ૭૦૦ કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે આશરે રૂ. ૧૧,૧૦૦ કરોડના પ્રોજેક્ટ્સ અને સમગ્ર ઉત્તર પ્રદેશમાં અન્ય પ્રોજેક્ટ સાથે સંબંધિત રૂ. ૪૬૦૦ કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. સીએમએ કહ્યું કે વડાપ્રધાન આ ખાસ અવસર પર જનસભાને સંબોધિત કરશે.