કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટના સૌથી વધુ કેસ, બીજા ક્રમે ગુજરાત

દેશભરમાં ગુરુવારે કોરોનાના નવા સબ વેરિયન્ટ JN.1ના 157 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 78 કેસ કેરળમાં તથા 34 કેસ ગુજરાતમાં નોંધાયા હતા. ગત સપ્તાહોમાં દેશનાં વિવિધ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ઇન્ડિયન સાર્સ કોવ-2 જીનોમીક્સ કૉન્સોર્ટીયમ (INSACOG)ના જણાવ્યા પ્રમાણે કેરળ અને ગુજરાત ઉપરાંત ગોવામાં 18, કર્ણાટકમાં 9, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 2 અને દિલ્હીમાં 1 કેસ નોંધાયો હતો.

ડેટા અનુસાર ડિસેમ્બરમાં કોરોનાના 141 કેસ નોંધાયા હતા. જ્યારે નવેમ્બરમાં નવા સબ વેરિયન્ટના માત્ર 16 કેસ સામે આવ્યા હતા. અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ JN.1ને ‘વેરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ’ એટલે કે અત્યંત ઝડપથી ફેલાતો વેરિયન્ટ ગણાવ્યો હતો. જો કે ડબલ્યુએચઓએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે નવા વેરિયન્ટના કારણે આરોગ્યને ખતરાનું પ્રમાણ અત્યંત ઓછું છે. જો કે ગત સપ્તાહોમાં વિવિધ દેશોમાં JN.1ના કેસમાં નોંધમાત્ર વધારો થયો છે.

ગુરુવારે દેશભરમાં કોરોનાના કુલ 702 કેસ નોંધાયા હતા જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 4,097 થઈ છે. સાથે જ કોરોનાને કારણે વધુ 6 લોકોના મોત થયા હતા. ગત 5 ડિસેમ્બર સુધીમાં દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 10થી ઓછી હતી પણ બાદમાં તેમાં વધારો નોંધાયો છે.

ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક નથી. નવા સબ વેરિયન્ટથી સંક્રમિત થયેલા 36માંથી 22 દર્દી સાજા થઈ ગયા હતા. હાલ રાજ્યમાં કોરોનાના 66 એક્ટિવ કેસ છે.