પતંગ રસિકોને મોજ પડી જાય તેવી આગાહી, ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા

ઉત્તરાયણને હવે ઝાઝા દિવસો બાકી નથી રહ્યાં. ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ કદાચ પતંગ રસિયાઓના મનમાં એ ચિંતા સતાવતી હશે કે આ વર્ષે ઉત્તરાયણ પર પવન કેવો હશે. કારણ કે દર વર્ષે ઉત્તરાયણના દિવસે સવાર-સવારમાં પવનની ગતિ સારી રહેતી હોય છે પરંતુ બપોર બાદ પવનની ગતિ ઓછી થઈ જતી હોય છે. આથી પતંગ રસિકોની મજા બગડતી હોય છે. ત્યારે તાજેતરમાં જ ઉત્તરાયણના પવનને લઇ અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે. આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે.’ એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, હાલ સમગ્ર રાજ્ય (Gujarat) માં ઠંડીનું જોર યથાવત છે. એમાંય હજુ ઠંડીમાં વધારો થવાની શક્યતા સેવાઇ રહી છે. રાજ્યમાં તારીખ 10-11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધશે.

આ સિવાય અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઇને વધુ એક માઠી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ’29-30-31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. ત્યારે તારીખ 6થી 8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી સિસ્ટમ પહોંચતા વરસાદની શક્યતા સેવાઇ રહી છે. ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડે તેવું અનુમાન છે.

ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. જાન્યુઆરી 1થી 5માં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે. કચ્છ સહીત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં વાતાવરણ પલટો આવવાની શક્યતા રહેલી છે.