ટેસ્લા બાદ વધુ એક કંપની ગુજરાતમાં ઇવી કાર-બેટરી પ્લાન્ટ સ્થાપશે

ગાંધીનગર, ગુજરાતમાં ટેસ્લાનું આગમન સુનિશ્ચિત થવાની સાથે વધુ એક ઇવી કાર કંપની ઇવી અનેબેટરી પ્લાન્ટ સ્થાપવાની તૈયારીમાં છે. મારુતિનો એક પ્લાન્ટ હાલમાં હાંસલપુરમાં ચાલે છે અને હવે તે બીજો પ્લાન્ટસ્થાપવાની જાહેરાત કરી શકે છે. વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં મારુતિ સુઝુકી કાર પ્લાન્ટ સ્થાપવા ગુજરાત સરકાર સાથે સમજૂતીપત્ર પર સહીસિક્કા કરી શકે છે.

આશ્ર્ચર્યની વાત એ છે કે મારુતિનો એક પ્લાન્ટ ગુજરાતમાં હોવા છતાં પણ મારુતિ પાસે ત્રણ લાખથી વધુ કારનો બેકલોગ છે. મારુતિ સુઝુકી હવે ઇલેક્ટ્રિક કારનો પોર્ટફોલિયો વિસ્તારવા માંગે છે. આના ભાગરૂપે કંપનીએ ગુજરાતમાં વધુ એક કાર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લીધો છે.

કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપની પ્લાન્ટ માટે કચ્છ, ધોલેરા ઉપરાંત અન્ય સ્થળોની પણ સમીક્ષા કરી હતી, પરંતુ છેવટે તેણે સુરેન્દ્રનગર નજીક કાર પ્લાન્ટ માટે જમીનની પસંદગી કરી છે. છેલ્લા કેટલાય દિવસથી મારુતિ સુઝુકી અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓ વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે.

તેના પગલે આગામી વાઇબ્રન્ટમાં કંપની ઇવી કાર પ્લાન્ટની સત્તાવાર જાહેરાત કરીને સરકાર સાથે સમજૂતીપત્ર પર સહીસિક્કા કરે તેમ માનવામાં આવે છે. મારુતિ દર વર્ષે દસ લાખ કાર બનાવવાનો લક્ષ્યાંક રાખે છે. સૂત્રોના જણાવ્યા મુજબ કંપનીના કાર પ્લાન્ટને લઈને રોજગારીના અનેક અવસર સર્જાશે. આ રીતે અનેક ઇવી કાર કંપનીઓના આગમનના પગલે ગુજરાત આગામી દિવસોમાં ઓટો હબ સ્ટેટ બનશે તેમ મનાય છે.