જુનાગઢ-રાજકોટ હાઈવે પર ડિમોલીશન: કરોડોની જમીન ખુલ્લી થઈ

જુનાગઢ જુનાગઢ-રાજકોટ હાઈવે પરના સાબલપુર નજીક રોડ ટચ અત્યંત કિંમતી જમીનમાં વર્ષોથી પેશકદમી કરી કોમશયલ બાંધકામ કરી નાંખવામાં આવેલ. આ અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. અંતે રેવન્યુ વિભાગ દ્વારા પેશકદમી વાળી જમીન પર બુલડોઝર ફેરવી અંદાજીત સવા કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.સાબલપુરના સર્વે નં.૧૪ની ગૌચરની જમીન પર કોમર્શીયલ બાંધકામ ચાલતું હતું.અને થઈ પણ ગયું હતું. ત્યાં ભંગારના ડેલાઓ, દુકાનો ધમધમતી હતી. હાઈવે ટચ અત્યંત કિંમતી જમીન પર વર્ષોથી પેશકદમી હતી, આ અંગે રેવન્યુ વિભાગમાં કેશ પણ ચાલતો હતો. કેસના અંતે પેશકદમી હોવાથી ૨૦ દિવસમાં દબાણો દુર કરવા દબાણર્ક્તાઓને મામલતદાર દ્વારા બબ્બે વખત નોટીસ આપવા છતાં ન તો બાંધકામ હટાવાયા કે ન કોઈ જવાબ આપ્યો. બે અરજદારોએ કોર્ટમાં મનાઈ હુકમ માંગવામાં આવેલ પરંતુ કોર્ટ દ્વારા મનાઈ હુકમ કે કબ્જો લેવા પર મનાઈ ન ફરમાવતા તંત્રએ આ જમીન ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.

સાબલપુર ગામનો જુનાગઢ મહાનગરમાં સમાવેશ થયો છે. ત્યારથી આ જમીન સરકારી થઈ ગઈ છે. સાબલપુર ગૌચરની સર્વે નં.૧૪ની ૬૭૫ ચોરસ મીટર જમીન પર થયેલ બાંધકામો પર બુલડોઝર મારી તોડી નાખવામાં આવેલ હવે રેવન્યુ વિભાગ દ્વારા આ જમીનનો કબ્જો લેવાની કાર્યવાહી હાથ ધરશે. આ જમીનની અંદાજીત આ છુટી કરવામાં આવેલી જમીનની કિંમત સવા કરોડ જેટલી થાય છે. દબાણર્ક્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.