સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાનાં સુદામડામાં રૂા. ૧.૯૨ કરોડની ખનીજ ચોરી

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામની સીમમા ખાણ ખનીજ વિભાગના દરોડામા કુલ 40 શખશો સામે રૂ. 1,92,93,344ની ખનીજ ચોરીની ફરિયાદની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે કુલ 40 શખ્શો સામે કુલ 48,610.09 મે.ટનની ખનીજ ચોરીની સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝબ્બે કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે માઇન્સ એન્ડ મિનરલ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈ લીગલ) માયનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ મુજબ આ કામના આરોપીઓ ગભરુભાઈ સગરામભાઈ સાંબડ તથા સોતાજ હરિસિંહ યાદવ, કુલદીપભાઇ સોતાજભાઈ યાદવ તથા ભરતભાઈ સાર્દુળભાઈ વાળાના ગેરકાયદેસર કાળા પથ્થર ચોરી કરવાનું ગુન્હાહિત કાવતરૂં રચી જેમાં રેડ દરમિયાન ખાણની અંદર એક્સકેવેટર મશીન દ્વારા ખોદકામ કરી આશરે 1800 મે.ટન કાળા પથ્થર કિંમત રૂ. 7,14,420ની ચોરી કરી પાંચ ડમ્પરો મારફતે પોતાના ક્રિષ્ના અને ન્યુ ક્રિષ્ના નામના ભરડિયામાં લઈ જઈ તેમજ પોતાના ન્યુ ક્રિષ્ના નામના ભરડિયામાં 17438.74 મેટ્રિક ટન કિંમત રૂ. 69,21,435 બ્લેક ટ્રેપ ખેનીજનો જથ્થો ગેરકાયદેસર રીતે નિકાસ કરી તથા પોતાના ક્રિષ્ના નામના ભરડિયા 29371.35 મેટ્રિક ટન કિંમત રૂ. 1,16,57,489 બ્લેક ટ્રેપ ખેનીજનો જથ્થો ગેરકાયદેસર રીતે નિકાસ કરી ગુન્હો કરવાની સાથે આ કામના આરોપીઓએ પોલીસ ખાતું તથા ખાણ ખનીજ ખાતું રેડ કરવા આવે અને પોતાની કાયદેસરની ફરજ બજાવી ન શકે અને તેમની ફરજમાં રૂકાવટ કરવા માટે સૂત્રો નામનું 17 સભ્યોનું વોટ્સઅપ ગ્રુપ બનાવી તેમા અધિકારીઓના લોકેશન માટે વોઇસ મેસેજ તથા ટેક્ષ મેસેજથી વોચ રાખી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી ગુન્હો કરતા સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે કુલ 40 શખ્શો સામે કુલ 48,610.09 મે.ટનની રૂ. 1,92,93,344ની ખનીજ ચોરીની સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝબ્બે કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.