ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમે યુદ્ધની તૈયારીનો આદેશ કર્યો

વોશિગ્ટન, કિમ જોંગે સેના, હથિયાર બનાવતી કંપનીઓ અને પરમાણું હથિયારોના વિભાગને આદેશ કર્યો છે કે તેઓ જંગની તૈયારીઓને તેજ કરે. રિપોર્ટ્સ અનુસાર એક મહત્વપુર્ણ બેઠકમાં નવા વર્ષ માટેના નીતિ નિર્દેશો પર બોલતાં કિમે યુદ્ધની તૈયારીઓને તેજ કરવા માટે પીપલ્સ આર્મી તથા યુદ્ધ સામગ્રી ઉદ્યોગ, પરમાણું હથિયાર અને નાગરિક સુરક્ષા ક્ષેત્ર માટેના કાર્ય નિર્ધારિત કર્યા હતાં. આ બેઠક દરમિયાન કિમે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા સામ્રાજ્યવાદ વિરોધી સ્વતંત્ર દેશોની સાથે વ્યુહાત્મક સહયોગનો વિસ્તાર કરશે.

જો કે મીડિયા દ્વારા આ તૈયારીઓ અંગે કોઇ વધારે માહિતી આપવામાં આવી ન હતી. અહેવાલો અનુસાર આ બેઠકમાં કિમે નવા વર્ષ માટેના આર્થિક લક્ષ્ય પણ નિર્ધારિત કર્યા હતાં. તેણે દેશની પાંચ વર્ષની વિકાસ યોજનાને પુર્ણ કરવા માટે આગામી વર્ષને નિર્ણાયક ગણાવ્યું હતું. તેણે નવા વર્ષ માટે મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રોને ગતિશિલ રૂપથી આગળ વધવા માટે મહત્વપુર્ણ કાર્યોને સ્પષ્ટ કર્યા હતાં અને કૃષિ ઉત્પાદનને ઉચ્ચ સ્તર પર સ્થિર કરવાનું આહવાન કર્યું હતું.

જો કે કિમે સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવાનો આવો નિર્દેશ પહેલીવાર નથી આપ્યો. અગાઉ પણ જ્યારે દક્ષિણ કોરિયા અને અમેરિકાએ સંયુક્ત યુદ્ધ અભ્યાસ કર્યો હતો ત્યારે ગુસ્સે ભરાયેલાં કિમે આવો આદેશ કર્યો હતો. નોંધનીય છે કે ઉત્તર કોરિયા રશિયા સાથે સંબંધો વધારી રહ્યું છે કેમ કે રશિયા અને યુક્રેનના યુદ્ધ દરમિયાન રશિયાને સૈન્ય ઉપકરણની સપ્લાઇ કરવાનો અમેરિકાએ પ્યોંગયાંગ પર આરોપ લગાવ્યો હતો.