અમેરિકામાં ગમખ્વાર અકસ્માત થતા આંધ્રપ્રદેશના ૬ લોકોના મોત

ટેકસાસ, અમેરિકાના ટેક્સાસમાં એક ગમખ્વાર અકસ્માતમાં આંધ્રપ્રદેશના છ રહેવાસીઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. બુધવારે યુએસ હાઇવે ૬૭ પર એક પિકઅપ ટ્રક અને મિનિવાન વચ્ચેની અથડામણમાં પાંચ જણના પરિવાર સહિત છ લોકોના મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો આંધ્રપ્રદેશ વિધાનસભાના મુમ્મીદીવરમના ધારાસભ્યના નજીકના હોવાનું કહેવાય છે. મુમ્મીદિવરમના વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય પોન્નાડા વેંકટ સતીષ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે પીડિતો તેમના નજીકના સંબંધીઓ અને અમલપુરમના રહેવાસી હતા.

સતીશ કુમારે પીડિતોની ઓળખ તેમના કાકા પી નાગેશ્ર્વર રાવ, તેમની પત્ની સીતા મહાલક્ષ્મી, પુત્રી નવીના, પૌત્ર કૃતિક અને પૌત્રી નિશિતા તરીકે કરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા છઠ્ઠા વ્યક્તિની તે ઓળખ કરી શક્યો નથી. “મારા કાકા અને તેમનો પરિવાર એટલાન્ટામાં રહેતા હતા,” સતીશે અમલાપુરમમાં પત્રકારોને કહ્યું. તેઓ ટેક્સાસમાં અન્ય સંબંધીઓના ઘરે ક્રિસમસમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો.” ફોક્સ ૪એ જણાવ્યું કે આ અકસ્માત નેમો વિસ્તારમાં યુએસ હાઈવે ૬૭ અને કાઉન્ટી રોડ ૧૧૧૯ પર થયો હતો.

અધિકારીઓ પાસેથી મળેલી માહિતીને ટાંકીને ધારાસભ્યએ કહ્યું કે અકસ્માત સમયે પીકઅપ ટ્રકમાં બે યુવકો હતા અને તે ખોટી દિશામાં હંકારી રહી હતી. બંને દુર્ઘટનામાં બચી ગયા અને ફોર્ટ વર્થની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા. નાગેશ્ર્વર રાવના જમાઈ લોકેશ એકમાત્ર વ્યક્તિ છે જે આ અકસ્માતમાં બચી ગયો હતો. તેને ગંભીર ઈજાઓ થઈ છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પરિવારે જણાવ્યું હતું કે તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાના ખજાનચી કોલ્લા અશોક બાબુ અને તેલુગુ ફાઉન્ડેશનના ખજાનચી પોલાવરપુ શ્રીકાંત મૃતદેહોને ભારત લાવવા માટે જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છે.