પંચાયત અને કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધાનપુર તાલુકા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

દાહોદ,રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાય રહે તેમજ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્ર્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ સરકાર દ્વારા “સેવા સેતુ કાર્યક્રમ” યોજાય છે. જેના નવમા તબક્કા અન્વયે ધાનપુર તાલુકા ખાતે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ નાં અધ્યક્ષ સ્થાને “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ એ ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, “છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓના લાભ પહોંચે તે માટે અધિકારીઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ગામે ગામે પહોંચી પાત્રતા ધરાવતા નાગરિકોને લાભાન્વિત કરી રહ્યા છે. વર્ષ 2047માં જયારે દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે ભારત દેશને વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપનને ચરિતાર્થ કરવા માટે આપણે યથા યોગ્ય સહભાગી થવા પ્રયાસો કરવા જોઈએ. દરેક વર્ગના લોકોને લાભો મળે ત્યારે જ દેશ વિકસિત બની શકે. આ માટે આસપાસ રહેતા પરિવારજનો કે અન્ય કે જે કોઈ સરકારના લાભોથી વંચિત હોય તેઓને માહિતગાર કરી જરૂરિયાતમંદ દરેક વ્યક્તિ સુધી લાભ પહોંચાડવા જોઈએ.”

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના કાર્યકમની સાથે સાથે રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ તેમજ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્ર્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ ધાનપુર તાલુકાનો “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો છે. જેમાં સરકારના વિવિધ યોજનાકીય સેવાઓ એક જ સ્થળે ગ્રામ્ય નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. જેનો લાભ આસપાસના ગામડાંઓના નાગરીકોએ મેળવ્યો હતો. આ પ્રસંગે મંત્રીના હસ્તે સ્ટેજ પરથી વિવિધ લાભોના વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પદાધિકારી ઓ, અધિકારી સહિત, સરપંચઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.