ડાકોર, યાત્રાધામ ડાકોરમાં મોટા પ્રમાણમાં દર્શાનાર્થીઓ રાજા રણછોડરાયના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં ખાસ કરીને સવારની મંગળા આરતી માટે મોટાપ્રમાણમાં લોકો બહારગામથી આવતા હોય છે. ત્યારે અમુક દર્શનાર્થીઓ દ્વારા મંદિરની બહાર મુકેલ કુલરનો બ્રશ કરવા અને મોંઢુ ધોવા માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનુ જોવા મળી રહ્યુ છે. મંદિર કમિટી સભ્યોની ગેરહાજરીમાં સુવિધાનો દુરૂપયોગ થતો જોઈ સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડરાયજીના મંદિરની બહારના વિસ્તારમાં મંદિર, પોલીસ કે પાલિકાના અધિકારીઓનો અંકુશ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સવારના સમયે દર્શનાર્થીઓ દ્વારા મંદિર પાસે મુકવામાં આવેલા પાણીના કુલરમાં બ્રશ અને મોંઢુ ધોવામાં આવે છે. મંદિર બહાર આ પ્રકારની વૃત્તિને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પ્રવૃત્તિ બંધ કરવા માટે મંદિર અને પાલિકા દ્વારા પગલા ભરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.