- સભામાં વિકાસના મુદ્દે ગરમાગરમી થતાં અધિકારી, તલાટી ગ્રામસભા છોડી ચાલ્યા ગયા.
- વેજલપુર ગ્રામ પંચાયતમાં માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ અને પોલીસની હાજરીમાં ગ્રામસભા યોજાઈ.
કાલોલ,
કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ અને પોલીસની હાજરીમાં ગામ સભા યોજાઈ. જેમાં પાણી આરોગ્ય શિક્ષણ અન્ન યોજના જેવા અંગેના મુદ્દાની ચર્ચા કરવામા આવી હતી. ત્યારે સૌ પ્રથમ મુદ્દો પાણીની ચર્ચા કરતા ગામના નાગરિક દ્વારા જણાવેલ કે, ગામના મેન બજારમાં ગટર લાઈનની સાથે પાણીની પાઇપ લાઈન કરવામાં આવી છે. જેથી ગટરનું પાણી પીવાના પાણી પાઇપ લાઈન સાથે મિક્ષ થાય છે. જેના કારણે અમારા ઘરમાં ગંદુ પાણી આવે છે.
જેથી માજી સાંસદએ વેજલપુર ગ્રામ પંચાયતની પાણી સમિતિના સભ્યોને જણાવેલ કે, આખા ગામમાં પાણીની જવાબદારી તમારી છે અને ગામના દરેક વિસ્તારમાં જઈ ને દરેક વિસ્તારની સમસ્યાઓ જાણવી અને તેને હલ કરવી અને જો ગ્રામ પંચાયતના કરી શકે તો પાણી પુરવઠા વિભાગની કચેરી ગોધરા ખાતે જાણ કરો જેથી ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ દૂર થાય અને ગ્રામજનોને શુદ્ધ પાણી મળી શકે અત્યારે સરકારની નલ સે જલ યોજના ચાલે છે. જેથી ગામની પાણીની સમસ્યાઓ દૂર કરવી તેવા આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે ગંદકી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે ગ્રામ પંચાયત પાસે કચરો નાખવામાં જગ્યા નથી. એના કારણે રૂપારેલ નદીમાં કચરો ઠલવાય છે. ગ્રામ પંચાયત પાસે ટ્રેક્ટર છે પણ કોઈ ડ્રાયવર ન હોવાના કારણે ગામમાં ટે્રક્ટર ફરતું નથી. ગામમા કોઈ પણ જગ્યાએ મોટી ડસબીન નથી. જેથી માજી સાંસદ દ્વારા મોટા ડસબીન મુકવાની પણ વાત કરવામાં આવી હતી અને તલાટી હર્ષદ ને આદેશ આપવામાં આવ્યા હતા કે ગ્રામ પંચાયતમાં ફરિયાદ પેટી મુકવામાં આવે જેથી ગ્રામજનોને પડતી મુશ્કેલીઓની ફરિયાદ લખીને પોતાની ફરિયાદ કરી શકે ત્યાર બાદ તલાટી હર્ષદ દ્વારા વેજલપુર ગામમાં થયેલા કામોની માહિતી આપતા ચમારવાસમાં ગટર લાઈન 1,50,000 માં ગટર લાઈન કરવામાં આવી છે. તેવું જણાવતા ચમારવાસના રહીશો દ્વારા હોબાળો કર્યો હતો કે અમારા વિસ્તારમાં ગટર લાઈન કરવામાં આવી નથી. તેમ કહી હોબાળો મચાવતા મામલો ગરમાયો હતો. જેથી આંગણવાડીની મહિલા કાર્યકરો ગ્રામસભા છોડીને ચાલતી પકડી હતી. ત્યારે ગ્રામસભાને પૂર્ણ કર્યા વગર અધિકારીઓ પણ નીચે ઉતરી ગયા હતા. જેથી તાલુકા પંચાયત સભ્યને કે ગ્રામજનોને ગામના કામોની યાદી કે હિસાબ આપ્યા વગર તલાટી હર્ષદ ગ્રામ પંચાયત છોડીને ચાલ્યા ગયા હતા. જેથી ગ્રામસભામાં લોકોને ગામમાં પડતી મુશ્કેલીઓની ઠરાવમાં લખાવ્યા વગર પાછું ફરવાનો વારો આવ્યો હતો. જેથી ગ્રામસભા દેખાવ પૂરતી રહી ગઈ હતી.