યૂક્રેન – રશિયા યુદ્ધમાં ભાડેથી રખાયેલો નેપાળી સૈનિક ઝડપાયો

મોસ્કો, થોડા દિવસો પહેલા યૂક્રેને એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં એક વ્યક્તિ રશિયા તરથી યુદ્ધ લડતો પકડાયો હતો. આ વ્યક્તિ ન તો રશિયન હતો કે ન તેને રશિયાની સેના દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવ્યો હતો. તે યૂક્રેન-રશિયા યુદ્ધમાં ભાડેથી રખાયેલો નેપાળી સૈનિક હતો. તેની ઓળખ બિબેક ખત્રી તરીકે થઇ હતી. વીડિયોમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે પૈસા કમાવવા માટે રશિયાની સેનામાં જોડાયો હતો.

નેપાળમાં બેરોજગારીને કારણે તેને આ પગલું ભરવું જરૂરી લાગ્યું. બિબેકે રશિયન અધિકારીઓને કહ્યું હતું કે, મારો પરિવાર તકલીમાં છે. મારી માતા કામ નથી કરી શક્તી, અમારે પૈસાની જરૂર હોવાથી હું રશિયન સેનામાં જોડાયો. મારા મિત્રે મને ભાડાના સૈનિક તરીકે જોડાવાનો ઉપાય દર્શાવ્યો હતો. બિબેક ઉપરાંત લગભગ ૨૦૦થી વધુ નેપાળીઓ રશિયન સેનામાં ભાડાના સૈનિક તરીકે કામ કરી રહ્યા છે. યૂક્રેન સામે યુદ્ધમાં ૬ નેપાળી સૈનિકો મૃત્યુ પામ્યા હતા જેના કારણે હવે નેપાળ પર પોતાના સૈનિકોને પાછા લાવવા દબાણ વધી રહ્યું છે. જોકે વિદેશમાં થતા યુદ્ધ લડવા ભાડાના સૈનિકોમાં નેપાળી સૈનિકની ભરતી માત્ર યૂક્રેન યુદ્ધ સુધી જ સીમિત નથી.