મુંબઇ, પાકિસ્તાનની ટીમ આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં બંને ટીમોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ત્રણ મેચોની શ્રેણીની બીજી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. બીજી મેચમાં પણ પાકિસ્તાની ટીમને હારનો ખતરો છે.
બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે રમતના અંત સુધીમાં પાકિસ્તાને બેટિંગ કરતા ૬ વિકેટ ગુમાવીને ૧૯૬ રન બનાવ્યા હતા. મેચના બીજા દિવસે એક પાકિસ્તાની ટીવી ચેનલ પીટીવીએ અચાનક મેચનું પ્રસારણ બંધ કરી દીધું હતું. જેના કારણે દર્શકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. હવે તેનું મોટું કારણ સામે આવ્યું છે.
બીજી ટેસ્ટના બીજા દિવસે મેચ સટ્ટાબાજીની કંપનીઓ તરફથી મેદાનમાં જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે પાકિસ્તાની ટીવી ચેનલ પીટીવીએ મેચના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પાકિસ્તાનની ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી અનુસાર, જો મેચ દરમિયાન સટ્ટાબાજી કે જુગારની કંપનીઓની જાહેરાતો બતાવવામાં આવે તો તેનું પ્રસારણ બંધ કરી દેવામાં આવે છે.
પીટીવીએ આ મેચના પહેલા દિવસે પ્રસારણ પણ કર્યું ન હતું. જો કે, અન્ય ટીવી ચેનલ ટેન સ્પોર્ટ્સ મેચનું પ્રસારણ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ અંગે પીટીવીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, પ્રસારણર્ક્તાએ સરોગેટ કંપનીઓ માટે પાકિસ્તાન સરકારની ઝીરો ટોલરન્સ નીતિનું પાલન કરવા માટે મેચનું લાઈવ ટેલિકાસ્ટ અટકાવવું પડ્યું.
બીજી ટેસ્ટ મેચમાં પણ પાકિસ્તાનની બેટિંગ લથડતી જોવા મળી હતી. જે બાદ પાકિસ્તાન ટીમને બીજી મેચમાં પણ હારનો ખતરો છે. બીજા દિવસે બેટિંગ કરતા પાકિસ્તાને ૧૯૬ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બેટિંગ કરતા અબ્દુલ્લા શફીકે સૌથી વધુ ૬૨ રનની ઇનિંગ રમી હતી. આ સિવાય શાન મસૂદે ૫૪ રન બનાવ્યા હતા.
બાબર આઝમ ફરી એકવાર લોપ સાબિત થયો. બાબર આઝમ પ્રથમ દાવમાં માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગ દરમિયાન બીજા દિવસે કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ ૩ વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય નાથન લિયોને ૨ વિકેટ લીધી હતી.