આવતા અઠવાડિયે ટીમ ઈન્ડિયાની જાહેરાત થશે, ટી ૨૦માં કેપ્ટનશિપને લઈને પેંચ ફસાયો

મુંબઇ, અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે જઈ રહી છે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે ટી ૨૦ સિરીઝ રમાશે. જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) આવતા અઠવાડિયે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. આ સીરીઝ પહેલા ટી૨૦ ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમની કેપ્ટનશીપને લઈને મોટી સમસ્યા છે. હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ ૨૦૨૩ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ પંડ્યા ટીમની બહાર છે. અહેવાલો અનુસાર, હાર્દિક અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાંથી પણ બહાર રહી શકે છે. હાર્દિક બાદ સૂર્યકુમાર યાદવ પણ દક્ષિણ આફ્રિકા સામેની ટી-૨૦ શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં તેના રમવાની શક્યતા ઘણી ઓછી છે. હવે મોટો સવાલ એ છે કે અફઘાનિસ્તાન સામેની ટી-૨૦ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન કોણ હશે.

હાર્દિક અને સૂર્યકુમારની ઈજાઓ બાદ એવી આશા છે કે રોહિત શર્મા ફરી એકવાર ટી૨૦ ઈન્ટરનેશનલમાં વાપસી કરી શકે છે. રોહિત શર્મા ફરી ટી-૨૦માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે રોહિત શર્મા સાથે અફઘાનિસ્તાન સામેની ટી૨૦ શ્રેણી માટે ટીમની કેપ્ટનશીપને લઈને લાંબી ચર્ચા થઈ હતી. જો કે ટીમનું નેતૃત્વ કોણ કરશે તે પસંદગીકારો પર નિર્ભર છે. પરંતુ ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ શ્રેણી ટીમ માટે ઘણી મહત્વની છે.

રોહિત શર્મા છેલ્લા એક વર્ષથી એક પણ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી. રોહિત શર્મા છેલ્લે ટી૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો.વનડે વર્લ્ડ કપ બાદ રોહિતે બીસીસીઆઈને વ્હાઇટ બોલ ક્રિકેટમાંથી બ્રેક માંગી હતી. હાલમાં રોહિત દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. હવે ચાહકોને આશા છે કે રોહિત શર્મા ફરી એકવાર અફઘાનિસ્તાન સામેની ટી-૨૦ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.