નવીદિલ્હી, આ વખતે પણ ર્ક્તવ્યના માર્ગે ગણતંત્ર દિવસની પરેડમાં દિલ્હીની ઝાંખી જોવા નહીં મળે. દિલ્હી સરકાર દ્વારા ટેબ્લો માટે મોકલવામાં આવેલા પ્રસ્તાવને કેન્દ્રએ મંજૂરી આપી નથી. પ્રજાસત્તાક દિવસની પરેડમાં દિલ્હીની ઝાંખીને સ્થાન ન મળવા પર આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા હતા.
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપની કેન્દ્ર સરકાર ઝાંખીનો સમાવેશ કરવામાં પક્ષપાતી છે, દર વર્ષે ભાજપ શાસિત રાજ્યોની ઝાંખીનો સમાવેશ કરવામાં આવે છે, દિલ્હી સરકાર તેની ઝાંખી દ્વારા દેશને દિલ્હીના વિકાસના મોડલનો પરિચય કરાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ કેન્દ્ર સરકારે દેશવાસીઓને વંચિત કર્યા.
આપ પ્રવક્તા પ્રિયંકા કક્કરે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમે ગણતંત્ર દિવસની પરેડમાં દિલ્હીના વિશ્ર્વ પ્રસિદ્ધ શિક્ષણ અને આરોગ્ય મોડેલને ગર્વથી બતાવવા માંગતા હતા, પરંતુ અફસોસની વાત એ છે કે આવું થવા દેવામાં આવ્યું નહીં. ભાજપ શાસિત આસામ, ગુજરાત, ઉત્તરાખંડ અને યુપીને સતત પાંચ વર્ષ તક આપવામાં આવી રહી છે, પરંતુ ગયા વર્ષની જેમ દિલ્હી અને પંજાબને તેનાથી દૂર રાખવામાં આવ્યા છે. હું ઈચ્છું છું કે પીએમ મોદીનું દિલ દિલ્હીના લોકો જેટલું મોટું હોય અને દેશની રાજધાની દિલ્હી પ્રજાસત્તાક દિવસે તેનું મોડેલ રજૂ કરી શકે.
આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું, ’૨૬ જાન્યુઆરી રાષ્ટ્રીય તહેવાર છે, તેના પર દરેકનો અધિકાર છે. ૨૬મી જાન્યુઆરીની પરેડ માટે દિલ્હીની ઝાંખીને વારંવાર અટકાવવી એ સારી વાત નથી. દિલ્હી દેશની રાજધાની છે અને તેને વધુ પ્રાથમિક્તા મળવી જોઈએ. કેન્દ્ર સરકાર પંજાબ પ્રત્યે બેવડું વલણ અપનાવી રહી છે. તેમના પૈસા રોકી દેવામાં આવ્યા છે. પંજાબમાં કાળા કૃષિ કાયદાના વિરોધમાં ૬૦૦ ખેડૂતોએ જીવ ગુમાવ્યા બાદ કેન્દ્ર સરકારે તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઈએ.