હાલોલના ગોપીપુરા ગામે રાત્રીના સમયે જીલ્લા પુરવઠા અધિકારીએ સસ્તા અનાજની દુકાનનું પંચો રૂબરૂ તાળું તોડી ચેકીંગમાં 45 કટ્ટા અનાજનો જથ્થો જપ્ત કર્યો

હાલોલ, હાલોલ તાલુકાના ગોપીપુરા ગામની સરકારી સસ્તા અનાજની દુકાન ઉપર બુધવારે રાત્રીના સમયે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધર્યુ હતું. દુકાનદાર ગેરહાજર હોય જેથી દુકાનદારના પુત્ર અને પંચો સાથે રાખી દુકાનનુંં તાળું તોડી તપાસ કરતાં સગેવગે કરવાના ઈરાદે સંતાડી રાખેલ 45 કટ્ટા અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.

હાલોલ ગોપીપુરા ગામે આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક બાબુભાઇ ભીમાભાઇ રાઠવાની દુકાનમાં પંચમહાલ જીલ્લા પુરવઠઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા બુધવારે રાત્રીના સમયે આકસ્મિક ચેકીંગ માટે પહોંચ્યા હતા. ત્યારે દુકાનદાર ધરે હાજર ન હોય અને દુકાનની ચાવી ધરે નથી તેમ જણાવતા જીલ્લા પુરવઠા અધિકારીએ સરકારી દુકાનના સંચાલકના પુત્ર કમલેશ રાઠવા અને ગામના પંચોની હાજરીમાં સરકારી સસ્તા અનાજની દુકાનનું તાળુંં તોડીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન વિતરણ થયેલ અનાજ અને હાજર સ્ટોકમાં વિસંંગતતા જણાઇ આવી હતી. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા દુકાન માંથી વધારાના અનાજના 10 કટ્ટા જપ્ત કર્યા તેમજ દુકાનદાર દ્વારા 35 કટ્ટા અનાજનો જથ્થો ધરમાં ગેરકાયદેસર રીતે કાળાબજારમાં વેચવા માટે સંતાડી રાખેલ હોય તેવા ધઉં, ચોખા, તુવેરદાળ અને ચણા મળી 45 કટ્ટા અનાજ કિંમત 67,407/-રૂપીયાનો અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગામના 45 જેટલા કાર્ડધારકોની પુછપરછ કરી નિવેદન લેતાં સરકારી સસ્તા અનાજ દુકાનના સંચાલક દ્વારા ગ્રાહકને 5 થી 8 કિલો અનાજ ઓછું આપતા હોય અને સરકારી ભાવ કરતાં વધારે પૈસા લેતા હોય તેવા નિવેદનોના આધારે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગોપીપુરા સરકારી અનાજની દુકાનના સંચાલક વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.