૯૧ ભારતીય નાગરિકો રશિયન સેનામાં જોડાયા હતા, જેમાંથી આઠ નાગરકોના મોત થયા છે

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે લોક્સભામાં જણાવ્યું હતું કે સરકાર રશિયન સેનામાં ભરતી થયેલા ૬૯ ભારતીય નાગરિકોની બહાર નીકળવાની રાહ જોઈ રહી છે અને ઘણા કિસ્સાઓમાં એવા સંકેતો છે કે ભારતીય નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમક્ષ ઉઠાવ્યો હતો. ગૃહમાં પૂરક પ્રશ્ર્નોના જવાબ આપતાં તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે રશિયન સેનામાં ભારતીય નાગરિકોની ભરતી અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં નાગરિકોની સાયબર ક્રાઈમ તસ્કરીના મુદ્દાઓને ગંભીરતાથી લીધા છે.

જયશંકરના જણાવ્યા અનુસાર, કુલ ૯૧ ભારતીય નાગરિકો રશિયન આર્મીમાં જોડાયા હોવાના અહેવાલ છે, જેમાંથી ૮ મૃત્યુ પામ્યા છે, ૧૪ને રજા આપવામાં આવી છે અથવા પાછા મોકલવામાં આવ્યા છે અને ૬૯ નાગરિકો રશિયન સેનામાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. તેણે કહ્યું, “અમે આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. મેં પોતે ઘણી વખત આ વાત રશિયન વિદેશ મંત્રી સમક્ષ ઉઠાવી છે.

વિદેશ મંત્રીએ ગૃહને જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ ગયા મહિને મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મંત્રીએ કહ્યું કે સમસ્યા એ છે કે રશિયન અધિકારીઓ કહે છે કે આ ભારતીય નાગરિકોએ રશિયન સેનામાં સેવા આપવાનો કરાર કર્યો છે. જયશંકરે કહ્યું કે ઘણા કિસ્સાઓમાં એવા સંકેતો છે કે અમારા નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે તેઓ કોઈ બીજી નોકરી માટે જઈ રહ્યા છે અને પછી તેમને રશિયન આર્મીમાં ભરતી કરવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે વડાપ્રધાને પુતિન તરફથી આશ્ર્વાસન મેળવ્યું છે કે જે પણ ભારતીય નાગરિક રશિયન સેનાની સેવામાં હશે તેને સેવામાંથી હટાવી દેવામાં આવશે. આ સમગ્ર મામલે ભારતનું વલણ પહેલાથી જ સ્પષ્ટ છે અને રશિયા સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.