
નવીદિલ્હી,ભારત સ્માર્ટફોનની નિકાસમાં સતત પ્રગતિ કરી રહ્યું છે અને હવે સ્થિતિ એવી બની છે કે હવે દેશ એક લાખ કરોડ રૂપિયાના મોબાઈલ ફોનની નિકાસની એકદમ નજીક પહોંચી ગયો છે. સ્માર્ટફોનની નિકાસનો દર પણ લગભગ બમણો થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે બુધવારે એક કાર્યક્રમમાં સ્માર્ટફોન નિકાસના સંદર્ભમાં દેશની પ્રગતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે અહીંથી મોબાઈલ ફોનની નિકાસ ૧૧.૧૨ અબજ ડોલર એટલે કે લગભગ ૯,૦૧,૫૨,૭૦,૦૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારત આજે વિશ્ર્વમાં મોબાઈલ ડિવાઈસ સેગમેન્ટ માં વૈશ્ર્વિક લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઈન્ડસ્ટ્રી બોડી ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ) પાસેથી પ્રાપ્ત ડેટા અને આ ક્ષેત્ર સાથે સંબંધિત સૂત્રોના રિપોર્ટના મૂલ્યાંકન અનુસાર, એવું બહાર આવ્યું છે કે મોબાઈલ ફોનની કુલ નિકાસમાં આઈફોનનો હિસ્સો અડધો છે.
કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું, “ભારતની સ્માર્ટફોન નિકાસ સતત બમણી થવાના સ્તરે પહોંચી ગઈ છે અને હવે તે USD 11 બિલિયનને વટાવી ગઈ છે. ભારત હવે વિશ્ર્વના મોબાઈલ ઈક્વિપમેન્ટ સેક્ટરમાં અગ્રેસર બનવા તરફ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે અને ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ વડાપ્રધાનના મેક ઇન ઈન્ડિયા કાર્યક્રમની મોટી સફળતા છે.
ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ)નું કહેવું છે કે ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ સતત વધી રહી છે અને હવે તે બમણી થઈ ગઈ છે.આઇસીઇએએ જણાવ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ આશરે રૂ. ૪૫,૦૦૦ કરોડની હતી અને તે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં વધીને રૂ. ૯૦,૦૦૦ કરોડથી વધુ થઈ ગઈ છે. સ્માર્ટફોન નિકાસ અંગે આઇસીઇએ ચેરમેન પંકજ મોહિન્દ્રુએ જણાવ્યું હતું કે, “મોબાઇલ ફોનની નિકાસ સતત વધી રહી છે. સ્માર્ટફોનની નિકાસના સંદર્ભમાં, અમે ૧૦૦ ટકા વૃદ્ધિ હાંસલ કરી છે અને હવે ૨૦૨૨-૨૩માં રૂ. ૯૦,૦૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે.
ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં વધારા અંગે પંકજ મહેન્દ્રુએ જણાવ્યું હતું કે, “ઈલેક્ટ્રોનિક્સની નિકાસ પણ સતત વધી રહી છે અને હવે ૫૮ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧,૮૫,૦૦૦ કરોડ સુધી પહોંચી ગઈ છે, જ્યારે અમે રૂ. ૭૫,૦૦૦ કરોડનો લક્ષ્યાંક રાખ્યો હતો.” સ્માર્ટફોન માર્કેટના સૂત્રોએ દાવો કર્યો છે કે અમેરિકન કંપની એપલે રૂ. ૪૫,૦૦૦ કરોડના આઇફોનની નિકાસ કરી છે, જે દેશની કુલ નિકાસનો લગભગ અડધો હિસ્સો છે. એપલ પછી સેમસંગ નંબર વન ફોન છે.બજારના સૂત્રોની ગણતરી મુજબ સ્માર્ટફોનની નિકાસમાં સેમસંગ ફોનનો હિસ્સો ૪૦ ટકા છે અને તેની કિંમત આશરે રૂ. ૩૬,૦૦૦ કરોડ છે.