હૈદરાબાદ, ઔરંગઝેબ અને ટીપુ સુલતાનને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. જેને લઈને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ કહ્યું કે ભારતમાં ઈતિહાસ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. હું મુગલોને પ્રેમ નથી કરતો પરંતુ ઈતિહાસ બદલાઈ રહ્યો છે. જાણે લાલ કિલ્લો મોદીએ જ બંધાવ્યો હોય.
ઓવૈસીએ વધુમાં કહ્યું કે, જો તમારી પાસે આજે ટીપુ સુલતાનની તસવીર હશે તો તમારી સામે કેસ દાખલ કરવામાં આવશે. એ જ ટીપુ સુલતાનનું ચિત્ર ભારતના બંધારણમાં છે. ઔરંગઝેબ અંગે એઆઇએમઆઇએમ નેતાએ કહ્યું કે, પહેલા તેનો ફોટો ચકાસજો. તેમનું મૃત્યુ ૩૦૦ વર્ષ પહેલા થયું હતું, તમે કેવી રીતે કહી શકો કે આ તેમનો ફોટો છે. તેમણે કહ્યું કે, બાબરી વિરોધ સમયે તેઓ અમને બાબરના બાળકો કહેતા હતા, આજે અમને ઔરંગબેજના બાળકો કહેવામાં આવે છે.
ઓવૈસીએ કહ્યું કે હિટલરના શાસન સાથે સરખામણી કરીએ તો આજે આપણે ૧૯૩૦નું જર્મની જોઈ રહ્યા છીએ. યહૂદીઓ વિરુદ્ધ સમાન નફરતના ભાષણો આપવામાં આવી રહ્યા હતા. હિટલરના શાસન દરમિયાન પણ ફિલ્મો બની હતી અને આજે કાશ્મીર ફાઇલ્સ અને ધ કેરળ સ્ટોરી ભારતમાં બની રહી છે.
ઔવીસી નેતાએ આરોપ લગાવ્યો કે ૯ વર્ષમાં બીફ, હિજાબ અને હલાલના નામે મોબ લિંચિંગ થવાનું શરૂ થયું છે. દાવો કર્યો કે ઉત્તરાખંડમાં લઘુમતીઓને વિસ્તાર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેમાંથી એક ભાજપના લઘુમતી નેતા હતા.
ઓવૈસીએ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ઘણા લોકો કોંગ્રેસ પણ એવું જ કરે તેવી અપેક્ષા રાખે છે પરંતુ તેઓ તેમના ક્લોન છે. વાસ્તવમાં તેઓ ક્લોન્સ નથી, પરંતુ જોકરો છે. તેઓ (કોંગ્રેસ) મોદી સાથે હિન્દુત્વની ચૂંટણી લડી રહ્યા છે.