88 કિલો સોનું, 11 મોંઘીદાટ ઘડિયાળ ને 1.37 કરોડ રોકડ:પિતા-પુત્રએ શેરના ભાવ સાથે ચેડાં કરી કુબેરનો ખજાનો ભેગો કર્યો

અમદાવાદના પાલડી વિસ્તારમાં એક એવા એપાર્ટમેન્ટ પર રેડ થઈ જેની કોઈને કલ્પના પણ ન હોય. કારણ કે, આ એપાર્ટમેન્ટ સામાન્ય રીતે બંધ રહેતો હતો, પરંતુ તેની અંદરથી 100 કરોડનું સોનું અને કરોડો રૂપિયા રોકડા એટલે કે કુબરેનો ખજાનો મળ્યો હોય તેવું સામે આવ્યું હતું. મહેન્દ્ર શાહ ઉર્ફે કાળિયો અમદાવાદના પાલડી વિસ્તારના એક ફાઈનાન્સરોના સંપર્કમાં હતો. જે તે સમયે તે શેરબજારની નાની સ્ક્રિપ્ટ ચલાવતો અને ડબ્બા ટ્રેડિંગ કરતો એટલે તે અનેક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો. જેમાં અમદાવાદના એક RTGSના ખેલાડી સાથે પણ તે સંપર્કમાં આવ્યો અને મેઘ શાહે તેની સાથે હાથ મિલાવીને શેરબજારની સ્ક્રિપ્ટનો કારોબાર શરૂ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આશ્રમ રોડના ફાઈનાન્સરે બહુ મોટી રકમ પિતા-પુત્રને આપી RTGSમાં સામાન્ય રીતે ઓનલાઇન સટ્ટાના રૂપિયા અમુક ટકાથી રોકડમાં કન્વર્ટ કરી આપવામાં આવતા હતા. જેના બદલે ભાડેથી એકાઉન્ટની વ્યવસ્થા કરવામાં આવતી હતી અને આ આખા રેકેટમાં આ RTGSના ખેલાડી પર EDની તપાસ પણ થઈ ચૂકી છે, ત્યારે અમદાવાદના આશ્રમ રોડના એક ફાઈનાન્સરે બહુ મોટી રકમ મહેન્દ્ર શાહ ઉર્ફે કાળિયો અને તેના પિતાને આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હવે કઈ દિશામાં ATSની તપાસ થાય છે તે ખબર નહીં પણ અમદાવાદનાં સૂત્રો પાસેથી આટલી માહિતી તો જરૂર સામે આવી રહી છે.

બે વર્ષ પહેલાં બજારમાંથી હાથ ઉછીના રૂપિયા શોધતા હતા પિતા-પુત્ર બે-ત્રણ વર્ષ પહેલાં આર્થિક રીતે ખૂબ તકલીફમાં હતા તેવું સૂત્રોએ જણાવ્યું છે. તેના એક એપાર્ટમેન્ટની લેણી રકમ માટે ઉઘરાણી થતી હતી જે માટે તે બજારમાંથી હાથ ઉછીના રૂપિયા શોધતા હતા. એટલું જ નહીં તેઓ ખૂબ જ આર્થિક સંકળામણમાં હતા, પરંતુ તેમના હાથમાં રાતોરાત લોટરી લાગી હોય તેવું નથી અથવા એવું પણ કશું થયું નથી કે તેમની પાસે આટલો મોટો કુબેરનો ખજાનો આવી જાય, પરંતુ અમદાવાદના એક જાણીતો RTGSમાં ખેલાડી જે ઘણા બુકી માટે જે ઓનલાઇન સટ્ટાની રકમ ઉઘરાવે છે. તેઓની રકમ એટલે કે, એકાઉન્ટના રૂપિયા અમદાવાદમાં રોકડ કરી આપવા માટે આખી સિસ્ટમ ચલાવે છે, જેને મેઘ સાથે સંપર્ક થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ધીમે ધીમે બંનેએ હાથ મિલાવ્યો અને બંનેની ગાડી ધીમે ધીમે વધારાના રૂપિયાને કઈ રીતે કન્વર્ટ કરવા અને શેરબજારમાં કઈ રીતે રોકી ક્રિપ્ટોમાં ખેલ પાડવા તે અંગે પાસાં સીધાં પડવા માંડ્યાં અને તેઓ કરોડોમાં રમતા થઈ ગયા હતા જે વિગત સૂત્રોએ જણાવી છે.

ડબા ટ્રેડિંગમાં નફા-નુકસાનની લેવડ-દેવડ રોકડમાં થતી હતી મહેન્દ્ર શાહ અને મેઘ શાહ મોટા બિલ્ડરો અને જ્વેલર્સને વ્યાજે પૈસા ધીરવા ઉપરાંત શેરબજારની જેમ જ ડબા ટ્રેડિંગના વ્યવહારો કરતા હતા. પરંતુ સોદા તેમના અંગત સોફ્ટવેરમાં નાખતા હતા. ડબા ટ્રેડિંગમાં મોટાપાયે શેરના સોદા થતા હતા અને ગ્રાહકો વતી ખરીદી કરે તો શેરે 25થી 50 પૈસા વધારે બતાવતા હતા અને વેચે તો ઓછા બતાવતા હતા. આમ મોટી કટકી કાઢી લેતા હતા. આવા સોદા કરી તેમણે સ્ટેમ્પ ડ્યૂટી, ટ્રાન્ઝેક્શન ટેક્સ સહિતના ટેક્સની પણ ચોરી કરી છે. ટ્રેડિંગના નફા-નુકસાનની લેવડ-દેવડ રોકડમાં થતી હતી.

ડબા ટ્રેડિંગ, એન્ટ્રી, ઓપરેટરો સાથે સેટિંગ અને દાણચોરીમાં સંડોવાયેલા મેઘ શાહની જીવનશૈલી ખૂબ વૈભવી છે. મુંબઈના પોશ વિસ્તારમાં તાજેતરમાં જ તેણે એક વૈભવી ફ્લેટ ખરીદ્યો હતો. આ ઉપરાંત કાળા-ધોળાના કમિશન પેટે મળતા પૈસાનું દુબઈમાં મોટાપાયે રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

જમીનોનો પણ ખૂબ મોટો ધંધો કરે છે સ્ક્રિપ્ટમાં નાની સ્ક્રિપ્ટને રાતોરાત મોટી કરવા માટે મેઘ મહેન્દ્ર શાહ દ્વારા બજારમાંથી એકસાથે મોટી રકમની જરૂર હોવાથી તેઓ આશ્રમ રોડના એક ફાઇનાન્સના સંપર્કમાં આવ્યા છે. જમીનોનો પણ ખૂબ મોટો ધંધો કરે છે. ધીમે ધીમે રૂપિયા આવતા પોલિટિકલ બેગ્રાઉન્ડ પણ વધતું ગયું અને મોટા પ્રમાણમાં રૂપિયા આવતા નાની કંપનીઓને હર્ષદ મહેતાની જેમ અપડાઉન કરીને તેઓ સ્ક્રિપ્ટમાં કઈ રીતે રોકાણ કરવું તેવું સમજાવતા હતા. ઘણી વખત આ લોકો સાથે કોઈ બર્ટર હોય તેવું પણ ચર્ચામાં છે. અને આટલી મોટી રકમ આવતા લોકોએ ભેગા મળીને દેશના આર્થિક પાસાને એટલે કે ટેક્સ ચોરી કરીને દેશ સાથે ગદ્દારી કરી હોવાનું સામે આવ્યું છે.

પાલડીના આવિષ્કાર ફ્લેટમાં મહેન્દ્ર શાહની દીકરી અને મેઘ શાહની બહેન ચોથા માળે રહે છે. તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ તેણે કંઈ જાણતી ન હોવાનું કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે, આ ફ્લેટ તેણે જ ભાઈને ભાડે અપાવ્યો હતો. પરંતુ ઘરમાં આટલી રોકડ અને સોનું હશે તેનો કોઈ અંદાજ ન હતો.

કેન્દ્રીય એજન્સી તપાસ કરે તો મોટા રાજ ખૂલે તેવી શક્યતા અમદાવાદ શહેરમાં મેઘ મહેન્દ્ર શાહ કોઈ જૂનું નામ નથી. લોકો તેને ઓળખે છે. લોકોએ તેને રંકમાંથી રાજા બનતા જોયો છે અને તેની સાથે અમુક લોકોના નામની ચર્ચા છે. જેઓ હાલ ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય એજન્સી તે દિશામાં તપાસ કરે તો હજુ વધુ મોટા રાજ ખૂલે તેવી શક્યતા છે એવી વિગત સૂત્રો જણાવી રહ્યા છે.

પિતા-પુત્ર મહેન્દ્ર-મેઘ શાહ વિદેશ ભાગી ગયાની શક્યતા ડબા ટ્રેડિંગમાં સંડોવાયેલા મહેન્દ્ર શાહ અને મેઘ શાહ હજુ સુધી પકડાયા નથી. એટીએસની ટીમોએ પિતા-પુત્રને પકડવા મુંબઈ, દિલ્હી, રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં તપાસ શરૂ કરી છે. જો કે, તેઓ વિદેશમાં ભાગી ગયા હોવાની શંકા છે. બંનેના વારંવારના વિદેશ પ્રવાસને જોતાં દાણચોરીનું રેકેટ હોવાનું પણ મનાય છે.

કેવી રીતે શેર બજારમાં કમાતા

  • સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેન્દ્રએ અમદાવાદના એક બિલ્ડરની કંપનીના શેરના ભાવોમાં ખોટી રીતે ભાવમાં ઘટાડો વધારો કર્યો જેના કારણે નાના રોકાણકારોના કરોડ રૂપિયા સ્ક્રિપ્ટમાં ડૂબ્યા.
  • આ કંપનીના શેર પહેલાં રૂપિયા 10 કર્યા અને પછી સેલ કરી રૂપિયા 1 થવા દીધો અને પછી પાછા ચાર રૂપિયા કર્યા. આમ કરી તેણે અને તેના પાર્ટનરે કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા.
  • કહેવાય છે કે, આ પાર્ટનર બીજી એક નેશનલ કંપનીની સ્ક્રિપ્ટને મેન્યુપ્લેટ કરવામાં સંડોવાયો છે. આ પ્રકારની પ્રવૃત્તિ SEBI દ્વારા બેન છે.

ત્રણ દિવસની વોચ બાદ ATS અને DRIએ દરોડો પાડ્યો હતો અમદાવાદના પાલડી વિસ્તારમાં ગુજરાત એટીએસ અને DRIની ટીમ દ્વારા સતત ત્રણ દિવસથી વોચ રાખવામાં આવતી હતી અને આવિષ્કાર એપાર્ટમેન્ટમાં અંદર આવતા-જતા લોકો પર વોચ રાખવામાં આવી રહી હતી, પરંતુ કોઈ આવ્યું ન હતું, જોકે એજન્સીઓને એવી માહિતી ચોક્કસ મળી કે અંદર કશું છે. 104 નંબરના ફ્લેટમાં દરોડો પાડીને કરોડો રૂપિયાનું સોનું અને રોકડ રકમ જપ્ત કરી હતી.

DRI અને ATSએ જપ્ત કરેલો મુદ્દામાલ 87.9 કિલો ગોલ્ડબાર 19.6 કિલોના દાગીના 11 લકઝરી ઘડિયાળ 1.37 કરોડ રોકડા