૮૩ વર્ષના વૃદ્ધને ૨૦ વર્ષની સજા:ધોરાજીની સેશન્સ કોર્ટે બે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા વૃદ્ધને સજા ફટકારી;

રાજકોટ,રાજકોટ જિલ્લાના ધોરાજીની સેશન્સ કોર્ટે બે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં ૮૩ વર્ષના વૃદ્ધને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી છે. આ વૃદ્ધ સામે જે તે સમયે ઉપલેટા પોલીસમાં પોક્સો અને કલમ ૩૭૭ અંતર્ગત ગુનો દાખલ થયો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે દાખલારૂપ ચુકાદો આપ્યો છે. સમગ્ર ઘટનાનો તે સમયે ભોગ બનનાર એક બાળકે મોબાઈલ ફોનમાં વીડિયો બનાવી લીધો હતો. જે મહત્ત્વનો પુરાવો બની રહ્યો હતો.

આ બાબતે ધોરાજીના સરકારી વકીલ કાર્તિકેય  પારેખે જણાવ્યું હતું કે, ઉપલેટા શહે૨માં ફરિયાદીએ એવી ફરિયાદ આપી હતી કે તેમના ૧૨ વર્ષના પુત્ર અને તેમના મિત્રના પુત્રને આરોપી અકબર અહેમદ કાદરીએ પોતાના ઘરે બોલાવીને લેઝર લાઇટ આપવાની લાલચ આપીને વારાફરતી બંને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

આ અંગે બીજા કોઈને વાત કરશો તો યતીમખાનામાં મોકલી આપીશ તેવી ધમકી પણ આપી હતી. જોકે ભોગ બનનાર એક બાળકે આખા બનાવનો વીડિયો ઉતારી લીધો હતો, જે મહત્ત્વનો પુરાવો બની રહ્યો હતો. ત્યારબાદ ૮૦ વર્ષના અકબર અહેમદ કાદરી સામે પોક્સો એક્ટ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ મુજબ ગુનો દાખલ થયો હતો. આરોપીને સરકારી તબીબ એમ.એ.વાળા પાસે તપાસણી અર્થે લઈ જવાયો હતો. ત્યાં તેણે બાળકો સાથેના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કબૂલાત આપી હતી. જે બાદ ચાર્જશીટ થઈ હતી અને બાળકોનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જે બાદ બાળકોએ આરોપીને ઓળખી બતાવ્યો હતો, તેમજ બાળકોએ બનાવેલી વીડિયો ક્લિપ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પણ મોકલવામાં આવી હતી.

આ સજ્જડ પુરાવાને સરકારી વકીલ તરફથી રજૂ કરાયા હતા. આરોપીના કૃત્ય તેમજ તેમની ઉંમર જોઇને તેમના પર દયા ન રાખવી જોઇએ તેવી ભારપૂર્વક દલીલ કાર્તિકેય પારેખે કરી હતી. બંને પક્ષની દલીલોને સાંભળી અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલકુમાર મહેશચંદ શર્માએ સજાનો હુકમ કર્યો હતો.