હિંમતનગર,સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથકમાં એક પછી એક વિકાસના કામો શરુ થયા છે. ત્યારે હવે શહેરમાં વધુ એક રેલવે ઓવરબ્રિજ બનશે જેને લઈને જીયુડીસી વિભાગ દ્વારા તેની કામગીરી હાથ ધરવામાં આવી છે. છ દિવસ પહેલા હિંમતનગરના ધારાસભ્યએ જીયુડીસીના અધિકારીઓ સાથે ગોકુલનગર રેલવે ફાટક સ્થળની મુલાકાત લીધી હતી.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના ઉદેપુર-હિંમતનગર રેલવે લાઈન પર એલસી નં.૧૦ જે શહેરના ખેડ તસીયા રોડ પર આવેલા ગોકુલનગર પાસેનું રેલવે ફાટક છે. ત્યારે હવે દુર્ગા બજાર રેલવે ફાટક બાદ ગોકુલનગર રેલવે ઓવરબ્રિજ મંજૂર થઇ ગયો છે. જેની ટેન્ડરીંગ પ્રક્રિયા થોકડા સમયમાં થશે અને ત્રણ મહિનામાં કામગીરી શરુ પણ થઇ શકે છે. જેને લઈને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, પાલિકા પ્રમુખ યાતીનીબેન મોદી, ઉપપ્રમુખ અમૃત પુરોહિત, હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ જીયુડીસીના ડીઇ સહીતના સ્ટાફ સાથે સ્થળ મુલાકાત લીધી હતી અને કામગીરી શરુ થાય ત્યારે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થાનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
આ અંગે હિમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ જણાવ્યું હતું કે, હિંમતનગર શહેરમાં હાથમતી નદી અને શહેરના વિવિધ માર્ગો પર જરૂરિયાત અને માંગણીને લઈને ઓવરબ્રિજ મંજૂર થતા કામગીરી શરુ કરવામાં આવી છે. ઉપરાંત નવા ગોકુલનગરના ઓવરબ્રિજની કામગીરી અગામી બેથી ત્રણ મહિનામાં શરુ થવાની છે. જેને લઈને સ્થળ નિરીક્ષણ કર્યું છે. તો GUDCના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા ઓવરબ્રિજ મંજૂર કરી દેવાયો છે તેની ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અંદાજીત ૮૦૦ મીટર લાંબા અને ૯ મીટર પહોળા ૧૮ પિયર પર અંદાજીત રૂ. ૨૨ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે. જેને લઈને શહેરીજનોની સવલતમાં વધારો થશે.