80 વર્ષના વડીલ લુંજીબેનનો મતદાન કરવા માટે સહાયનો ફોન આવ્યો અને તંત્રની ટીમ તાબડતોબ પહોંચી

દાહોદ,

દાહોદ જિલ્લામાં સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અહીંના દિવ્યાંગ મતદારો માટે સુવિધા કેન્દ્ર ઉપર જિંદગીના 80 થી વધુ દાયકા જોય લીધા હોય એવા વૃદ્ધ મહિલાનો ફોન આવ્યો કે તેને નજીકમાં આવેલા મતદાન મથકે જવા સહાયની જરૂર છે. ફોન આવતાની સાથે જ આસીસ્ટન્ટ નોડલ ફોર પીડબ્લયુડી આર.પી. ખાંટાની ટીમ સેવા સદનથી ગાડી લઇને ગરબાડાના અભલોડ ગામ ખાતે ઉપડી ગઇ અને 80 વર્ષથી વધુના લુંજીબેન ભાભોરના ઘરે પહોંચી.

લુંજીબેનને તેમના ઘરેથી મતદાન મથક અને મતદાન મથકે મતદાન કરાવીને વ્હીલચેરની મદદથી ઘર સુધી પહોંચાડયા. સુરક્ષા દળના જવાનો પણ લુંજીબેનની મદદે દોડી ગયા હતા અને તેમને મતદાન કરવામાં મદદ કરી હતી. લુંજીબેને આ ઉંમરે આટલી સુવિધા સાથે મતદાન કરવા મળ્યું એટલા માટે સૌને આર્શીવાદ આપ્યા હતા. દિવ્યાંગ મતદારો માટે સુવિધા કેન્દ્રની ટીમે આજે ઘણાં સીનીયર સિટીઝન, અશક્ત મતદારોની મદદ કરી હતી.

વૃદ્ધ-દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે એ માટે જિલ્લાના તમામ મતદાન મથકોને ગ્રાઉન્ડ ફલોર ઉપર રખાયા છે. તેમજ મતદાન મથકો ખાતે વ્હીલચેર સહિતની તમામ સુવિધાઓ અપાઇ રહી છે. જિલ્લા ચૂંટણી તંત્ર એ વાતની ખાસ ચીવટ રાખી રહ્યું છે કે એક પણ મતદાતા મતદાન ચૂકે નહીં.