નવીદિલ્હી, દેશમાં આવતા વર્ષે લોક્સભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે કેન્દ્રમાં બે ટર્મથી સત્તા પર રહેલી પીએમ નરેન્દ્ર મોદીની સરકાર પ્રત્યે દેશના લોકોનું વલણ શું છે.
પ્યુઝ રિસર્ચ સેન્ટરના સર્વે મુજબ પીએમ મોદી આવતા વર્ષે ફરી લોક્સભા ચૂંટણી જીતવાના છે. ૧૦માંથી ૮ ભારતીયોને હજુ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્ર્વાસ છે. લોકો માને છે કે વિશ્ર્વમાં ભારતનું કદ છેલ્લા કેટલાક વર્ષોથી વધ્યું છે.
ભારતમાં આયોજિત થનારી જી૨૦ કોન્ફરન્સના એક અઠવાડિયા કરતાં થોડો સમય પહેલાં આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. વિશ્ર્વના કુલ ૨૩ દેશોમાં ૩૦,૮૬૧ લોકો પર કરવામાં આવેલા આ સર્વે દરમિયાન ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૩ થી ૨૨ મે ૨૦૨૩ વચ્ચે ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, ૬૮ ટકા ભારતીય પુખ્ત વયના લોકો માને છે કે વિશ્ર્વમાં ભારતનો પ્રભાવ વધ્યો છે. ૫૫ ટકા લોકોની વિચારસરણી પીએમ મોદી માટે અનુકૂળ છે. તેઓ આવતા વર્ષે સામાન્ય ચૂંટણી દરમિયાન પીએમ મોદીને ફરીથી દેશની સત્તા સંભાળતા જોવા માંગે છે.
દસમાંથી લગભગ સાત ભારતીયોએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં વિશ્ર્વમાં દેશનો પ્રભાવ વધુ મજબૂત થઈ રહ્યો છે, જ્યારે પાંચમાથી ઓછા લોકો માને છે કે તે નબળો પડી રહ્યો છે. અમેરિકા ઉપરાંત કેનેડા, ઈટાલી, જર્મની, યુકે, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ઈન્ડોનેશિયા વગેરે ૨૩ દેશોમાં આ સર્વે કરવામાં આવ્યો છે. અહીં ૨૮ ટકા લોકો માને છે કે વિશ્ર્વમાં ભારતનું કદ હવે વધી ગયું છે. આ ૨૩માંથી ૧૨ દેશોના ૩૨ ટકા લોકો એવું પણ માને છે કે વડાપ્રધાન મોદી વૈશ્ર્વિક સ્તરે યોગ્ય નિર્ણયો લે છે.