
મહેસાણા, ડિગ્રી વિના જ તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોનો રાફડો ઉત્તર ગુજરાતમાં ફાટી નિકળ્યો છે. માત્ર અંતરિયાળ વિસ્તારો જ નહીં પરંતુ શહેરી વિસ્તારથી નજીકના વિસ્તારમાં પણ આવા બોગસ તબીબોની પ્રેક્ટિસ ધમધમતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ દરમિયાન મહેસાણા અને બનાસકાંઠા SOG એ દરોડો પાડીને કડી અને દાંતીવાડામાંથી બોગસ ડોક્ટરને ઝડપી લીધા છે.તો વળી મહેસાણામાં ૮ પાસ નિવૃત્ત ST ડ્રાઇવર મુન્નાભાઇ સ્મ્મ્જી બની ગયો હોવાનું ઝડપાતા કાર્યવાહી કરાઇ છે.
કડીમાં તો માત્ર ૮ પાસ શખ્શને બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગૃપે ઝડપી લીધો છે. જ્યારે બનાસકાંઠામાં પરપ્રાંતથી આવીને ડોક્ટર તરીકે ઓળખ આપી પ્રેક્ટિસ કરતા યુવકને એસઓજીએ ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આદુંદરા ગામની વાત કરવામાં આવે તો, અહીં ડિગ્રી વિના જ તબીબે પ્રેક્ટિસ કરતો હતો.એસટી ડ્રાઇવર તરીકે નિવૃત્ત થયેલ મહેશ હિંમતભાઇ પટેલ માત્ર ૮ પાસ છે. તેણે એસટી બસ ચલાવવાનું છૂટ્યા બાદ દવાખાનું ખોલી દીધુ હતુ. નિવૃત્ત એસટી ડ્રાઇવરને એસઓજીએ દરોડો પાડીને એલોપેથી સારવાર કરતા ઝડપી લઈને કાર્યવાહી કરી છે.
એસઓજીએ મહેશ પટેલના દવાખાનામાંથી કમ્પાઉન્ડર ભીખા ગાંડાભાઈ નાયકને પણ ઝડપ્યો હતો. આમ ૮ પાસ નિવૃત્ત એસટી ડ્રાઇવર લોકોની સારવાર દવાખાનાનું બોર્ડ મારીને કરતો હતો. અને લોકોના આરોગ્યની સાથે ચેડા કરતો હતો.
આ દરમિયાન બનાસકાંઠા એસઓજીની ટીમ દ્વારા પણ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં દાંતીવાડાના ડેરી ગામે દવાખાનું ચલાવતા યુવક સુપ્રભાત ગોપાલભાઇ વિશ્ર્વાસને પોલીસની ટીમે ઝડપી લીધો હતો. તેની પાસે ડોક્ટરની ડિગ્રી નહીં હોવા છતાં તે વિસ્તારમાં લોકોની સારવાર એલોપેથી દવા વડે કરી રહ્યો હતો. ભાડાનું મકાન રાખીને તેણે દવાખાનું ખોલી દીધુ હતુ અને તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા રુપ તબીબે પ્રેક્ટિસ ચલાવી ફી ઉઘરાવતો હતો.
એસઓજીની ટીમને બાતમી મળવાને લઈ આ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં તેની પાસેથી મેડિકલ સાધનો અને ઇન્જેક્શ અને અન્ય દવાઓના જથ્થા સહિતના સામાનને જપ્ત કરીને એસઓજીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.