ગાઝા, ગાઝામાં હમાસના આતંકીઓ વિરુદ્ધ ઈઝરાયેલનું સૈન્ય યુદ્ધે ચઢ્યું છે ત્યારે નાગરિકોનું રક્ષણ કરવામાં નિષ્ફળતા બદલ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ જનતા ભડકી છે અને તેમના રાજીનામાની માગ કરતા દેખાવો કરવા રસ્તા પર ઉતર્યા છે. આ સમયે દેખાવકારો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી.
હમાસના આતંકીઓએ ૭ ઑક્ટોબરે ઈઝરાયેલ પર ભયાનક હુમલો કરવાની સાથે સેંકડો નાગરિકોને બંધક બનાવ્યા હતા અને ગાઝા લઈ ગયા હતા. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં હમાસના આતંકીઓ ઈઝરાયેલની મહિલા સૈનિકો સાથે ક્રૂરતા આચરતા જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થયા પછી વધુ એક વખત ઈઝરાયેલની જનતા વડાપ્રધાન બેન્જામિ નેતન્યાહુ સામે ભડકી છે. રાજધાની તેલ અવવીમાં શનિવારે અને રવિવારે હજારોની સંખ્યામાં નાગરિકોએ દેખાવો કર્યા હતા. તેમણે નેતન્યાહુના રાજીનામાની માગણી કરી હતી. આ સમયે નાગરિકો અને ઈઝરાયેલના સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
હમાસના આતંકીઓ વિરુદ્ધ યુદ્ધ વચ્ચે પીએમ નેતન્યાહુ વિરુદ્ધ પોતાના જ દેશમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. નેતન્યાહુ પર ઈઝરાયેલના નાગરિકોનું રક્ષણ નહીં કરી શકવાના આક્ષેપો થઈ રહ્યા છે. આઠ મહિના કરતાં વધુ સમય થઈ જવા છતાં ઈઝરાયેલનું સૈન્ય હજુ સુધી ૨૦૦થી વધુ બંધકોને શોધી શક્યું નથી. સૈન્ય સતત તેમને શોધવાનો દાવો કરી રહ્યું છે ત્યારે પરિવારજનો હવે તેમના પાછા ફરવાની આશા ગુમાવી રહ્યું છે. આવા સમયે શનિવારે સાંજે ફરી એક વખત હજારો નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વડાપ્રધાનના રાજીનામાની માગણી કરી રહ્યા હતા. ઈઝરાયેલના સૈન્ય અને હમાસના આતંકીઓ વચ્ચે યુદ્ધ નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. ઉત્તરીય ગાઝામાં કેર વર્તાવ્યા પછી આઈડીએફે હવે દક્ષિણ ગાઝામાં ઓપરેશન હાથ ધર્યું છે.