૭૨ દિવસનું વાવઝોડું ફૂંકાય, અંબાલાલ પટેલની આગાહી:ચોમાસું સમયે આવવાની સંભાવના

ગાંધીનગર, આજના આધુનિક સમયમાં સેટેલાઈટ અથવા તો વિભિન્ન મોડલથી મૌસમ કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે, પરંતુ નક્ષત્ર અને પવનની દિશા પરથી પણ અંદાજો કાઢવામાં આવે છે. અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે તો ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન લગાવ્યું છે. હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે જણાવ્યું કે, અકળાવી મુક્તી કાળઝાળ ગરમી પડી રહી છે.

પ્રી-મોનસૂન એક્ટિવિટીની શરુઆત થશે. ૨૧ મે બાદ હવામાનમાં પલટો આવશે. ૨૪ મે વાદળછવાયુ વાતાવરણ રહેશે. ૨૬-૩૦ મે સુધી રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ત્યારબાદ ૪ જૂન સુધી વરસાદ ચાલુ રહેશે. જો રોહિણી નક્ષત્રની શરુઆતમાં વરસાદ થાય છે, તો ૭૨ દિવસનું વાવાઝોડું ફૂકાય અને જો બીજા ત્રણ દિવસમાં વરસાદ થાય છે તો એટલા દિવસ પવનમાં ઘટે છે.

અંબાબાલ પટેલે કહ્યું કે, રોહિણી નક્ષત્ર ઉતરતા વરસશે તો સારો વરસાદ થવાની સંભાવના રહે છે. આ વખતે રોહિણી ઉતરતા વરસાદ થવાની સંભાવના રહેશે. એટલે ચોમાસું સમયે આવવાની સંભાવના રહેશે. અને વરસાદ સારો થવાના અનુમાન છે. ૨૪ મે સુધીમાં અંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે અને દક્ષિણ પૂર્વીય કિનારાઓ પર ૩૦ મે સુધીમાં વાવાઝોડુ સક્રિય થશે અને વાવાઝોડાની પવનની ગતિ તેજ રહેશે.

અરબ સાગરમાં મે મહિનાના અંત અને જૂનની શરુઆતમાં વાવાઝોડુ થવાની સંભાવના રહેશે. ૮ જૂનથી દરિયામાં પવન બદલાશે અને તેજ પવન ફૂંકાશે. ત્યારબાદ મૃર્ગશિષ નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના રહેશે. ૧૭-૨૮ જૂન વચ્ચે પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાનુ અનુમાન છે. આ વખત તેજ ગતિના પવન રહેશે. જુલાઈ ઑગસ્ટમાં સારો વરસાદ થશે અને ચોમાસું સારું રહેશે. ૨૮ મેથી વરસાદ થવાની સંભાવના રહેશે, પરંતુ તેને નિયમિત ચોમાસું કહી શકાય નહીં. હવામાનના આંકલન બાદ નિયમિત ચોમાસાની ગણતરી થતી હોય છે. જો કે ચોમાસું બેસે તે પહેલા પ્રી-મોનસૂન એક્ટિવિટીના કારણે વરસાદ થશે.

ચોમાસાના આગમન અગાઉ વધુ એક વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. ૫ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની સંભાવના છે. જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થઇ શકે છે. ભારતીય હવામાન વિભાગ મુજબ, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ૨૨ મેની આસપાસ લૉ પ્રેસર સર્જાશે અને ૨૪ મેની આસપાસ બંગાળની ખાડીની મયમાં તે ડિપ્રેશનમાં ફરેવાય તેવી સંભાવના છે. જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૨૭ મે આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે મૌસમ વિભાગે એ માટે અત્યાર સુધી કોઈ સ્પષ્ટ આગાહી કરી નથી. જો કે બીજી તરફ હવામાન વિભાગે ૨૪ કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન, નિકોબાર ટાપુઓમાં નૈૠત્યનું ચોમાસું આગળ વધવાની આગાહી કરવામાં આવી છે.