નડિયાદ,\ આજે ૧૩ જૂને રોજગાર મેળો દ્વારા ૭૦ હજાર યુવાનોને સરકારી નોકરી મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પસંદગીના યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિમણૂક પત્ર આપ્યા હતા. આ પ્રસંગે તેમણે યુવાનોને સંબોધન પણ કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર વડાપ્રધાન મોદીએ ૧૩ જૂને સવારે ૧૦.૩૦ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ ૭૦,૦૦૦ એપોઇન્ટમેન્ટ લેટર્સનું વિતરણ કર્યું હતું.
સરકારના રોજગાર મેળા અંતર્ગત નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંગળવારે દેશભરમાં ૪૩ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી ભરતી કેન્દ્ર સરકારના વિભાગોમાં તેમજ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાલી પડેલી જગ્યાઓ પર થઈ હતી. પસંદગીના ઉમેદવારોની નિમણૂક વિવિધ વિભાગોમાં કરવામાં આવી છે.
આ પહેલા ૧૬ મેના રોજ દેશભરના ૨૨ રાજ્યોમાં ૪૫ કેન્દ્રોમાં પાંચમા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ પીએમ મોદીએ ૭૧ હજાર યુવાનોને નિમણૂક પત્ર આપ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ડીજીટલ મોડમાં કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર ૨૦૨૨માં રોજગાર મેળો શરૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં રોજગાર મેળા દ્વારા ૩ લાખથી વધુ યુવાનોને સરકારી નોકરી મળી છે. કેન્દ્ર સરકાર સામાન્ય ચૂંટણી ૨૦૨૪ પહેલા આ મેળા દ્વારા વધુને વધુ યુવાનોને નોકરી આપવાની યોજના ધરાવે છે.
ખેડા જિલ્લામાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયામકશ્રી-રોજગાર અને તાલીમ, ગાંધીનગર દ્વારા સંચાલિત જીલ્લા રોજગાર વિનિમય કચેરી, સરદાર ભવન, નડિયાદ ખાતે તાલુકા કક્ષાના રોજગાર ભરતીમેળા તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર ઉમેદવારોને ભરતી પ્રક્રિયા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ભરતી મેળામાં કે.પી. એન્ટર પ્રાઈઝ, આઈ.સી.આઈ.સી.આઈ. પ્રુડેન્શિયલ, નડીઆદ, અમરકાર્સ પી. વી. ટી., નડિયાદ આઈ.સી.આઈ.સી.આઈ ફાઉન્ડેશન વડોદરા અને ક્રેસ્ટ રેઝીન લિમિટેડ કંપનીઓ દ્વારા સીધી ભરતીના ભાગરૂપે વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં કુલ ૧૬૬ ઉમેદવારો પૈકી ૧૬૧ ઉમેદવારોને નોકરી દાતાઓએ નોકરી આપી હતી. આ પ્રસંગે નડીયાદ રોજગાર અધિકારીશ્રી, ડી.કે.ભટ્ટ, કરીયર કાઉન્સીલર શ્રી જેસનભાઈ, શ્રી હેતલબેન, રોજગાર કર્મચારી શ્રી પ્રકાશભાઇ, વિવિધ કંપનીના ભરતી પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં રોજગાર વાંછુક ઉમેદવારો હાજર રહ્યા હતા.