અમદાવાદ, સિટી સેસન્સ કોર્ટ સ્થિત સ્પેશિયલ પોક્સો કોર્ટે ૨૫ વર્ષની વયના દિપક પ્રજાપતિને ૨૦ વર્ષની જેલની સજા ફટકારી છે. આરોપીએ તેની પડોશમાં રહેતી સાત વર્ષની બાળકીની છેડતી સાથે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
આ બનાવની વિગત મુજબ મે ૨૦૨૨માં અમરાઈવાડી પોલીસે દિપક પ્રજાપતિની પડોશમાં રહેતી બાળકી પર બળાત્કાર અને છેડતીના આરોપમાં ધરપકડ કરી હતી. આ કેસમાં સરકારી વકીલ ભરત પટણીએ ૧૪ સાક્ષીઓ અને ૨૭ જેટલા કેસને લગતા દસ્તાવેજો કોર્ટમાં રજૂ કર્યા હતા.જેમાં કોર્ટે પર્જાપતિને દોષી ઠેરવીને ૨૦ વર્ષની જેલની સજા કરી હતી. કોર્ટે આરોપીની દયાની અરજી ફગાવી દેતા કહ્યું હતું કે આ પ્રકારના કેસમાં જો દયા દાખવવામાં આવે તો સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે તેમ છે. ઉપરાંત આરોપીને આ પ્રકારના ગુના કરવા પ્રોત્સાહન મળે તેમ જણાય છે.
કોર્ટે પિડીતાના માતાપિતાને પણ સલાહ આપી હતી કે સમાજમાં બનતા આવા પ્રકારના ગુના પ્રત્યે આંખ આડા કાન ન કરવા જોઈએ. દરેક માતાપિતાએ યાન રાખવું જોઈએ કે કોઈ તેમની બાળકી સાથે આવું કૃત્ય ન કરે.